ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેએ મંત્રીને વારલી પેઇન્ટિંગ, કોટિ, ગમછો, તીર-કમાન અને ભગવાન બિરસા મુંડાની પ્રતિકૃતિ ભેટ આપી હતી. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત આદિવાસી લોકનૃત્યથી થઈ હતી. પ્રાયોજના વહીવટદારે સ્વાગત પ્રવચન કર્યું હતું. આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અને સિદ્ધિઓ દર્શાવતી ફિલ્મ તથા વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું.

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રૂ. 37.80 કરોડના ખર્ચે બનનારી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. ઝઘડિયા વિધાનસભા મતવિસ્તારમાં રૂ. 56.64 લાખના ખર્ચે હાથ ધરાનારા 73 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. રૂ. 146.6 લાખના ખર્ચે પૂર્ણ થયેલા 46 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓ, રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું. લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય, પશુપાલન સહાય અને વન અધિકાર અધિનિયમ હેઠળનાં અધિકારપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મંત્રી બાવળિયાએ ભગવાન બિરસા મુંડાના બલિદાન, શૌર્ય અને આદિવાસી સંસ્કૃતિને દેશની વિરાસત ગણાવી હતી. તેમણે ઝઘડિયા-વાલિયા રોડનું નામ ‘ભગવાન બિરસા મુંડા પથ’ અને વાલિયા જંક્શનનું નામ ‘ભગવાન બિરસા મુંડા સર્કલ’ રાખવાની જાહેરાત કરી હતી. ધારાસભ્ય રીતેશ વસાવાએ ભગવાન બિરસા મુંડાના જીવન અને વિસ્તારનાં વિકાસકાર્યો વિશે વાત કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ મગન વસાવા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here