આમોદ નગરમાં આજે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની અત્યંત ઉત્સાહ અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જનજાતીય ગૌરવ, સામાજિક એકતા અને આદિવાસી સમાજના ઉત્થાનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની પુષ્પાંજલિ આપીને કરવામાં આવી હતી. ત્યારબાદ આમોદ મામલતદાર કચેરી ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જંબુસર-આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી અને અમરેલીના સાંસદ ભરત સુતરીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સભા દરમિયાન ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા સાંસદ ભરત સુતરીયાને આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક એવું પરંપરાગત તીર-કામઠું અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સાંસદ ભરત સુતરીયાને સમાજનો પરંપરાગત પોશાક અને કોટી પહેરાવી તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વક્તાઓએ ભગવાન બિરસા મુંડાના જીવન, તેમના ઐતિહાસિક સંઘર્ષ અને આદિવાસી સમાજના હક તથા ગૌરવ માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. કાર્યક્રમના અંતિમ તબક્કામાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ આદિવાસી સમાજ તેમજ રાઠોડ સમાજના લાભાર્થીઓને રહેણાક માટે મકાનના પ્લોટની સનદો તેમજ અંદાજે ૨૦૦ જેટલા તૈયાર થયેલા મકાનોની સનદોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ ભરત સુતરીયા ઉપરાંત આમોદ મામલતદાર ડૉ. મયુર વરીયા, તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને આદિવાસી સમાજના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






