ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે દેડિયાપાડા ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના સરકારી કાર્યક્રમની ભવ્યતાના દાવાઓ વચ્ચે હવે સ્થાનિક સ્તરે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આદિવાસી સમાજના ગૌરવ અને જળ, જંગલ, જમીનના અધિકારોની વાતો વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં અપેક્ષા કરતાં ઓછી જનમેદની, સરકારી ખર્ચ, વન અધિકાર પત્રોની વાસ્તવિક ફાળવણી અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરી જેવા મુદ્દાઓએ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

સરકારી તંત્ર દ્વારા કાર્યક્રમને ભવ્ય અને વિશાળ બનાવવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ સ્થળ પરની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હોવાની ચર્ચા છે. મળતી માહિતી મુજબ, સમગ્ર કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સહિત માંડ ૧,૫૦૦થી ૨,૦૦૦ જેટલા લોકોની જ હાજરી જોવા મળી હતી. લોકોને લાવવા-લઈ જવા માટે સરકારી બસો દોડાવવામાં આવી હોવા છતાં પંડાલમાં મોટાભાગની ખુરશીઓ અને સોફા ખાલી રહ્યા હતા. આ ઉપરાંત, રજાના દિવસે પણ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ પર હાજર રાખવામાં આવ્યા હોવા છતાં અપેક્ષિત જનભાગીદારી ન મળતાં આયોજનની સફળતા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. સ્થાનિક સ્તરે એવી પણ માંગ ઊઠી છે કે આ કાર્યક્રમ પાછળ સરકારી તિજોરીમાંથી થયેલા લાખો રૂપિયાના ખર્ચનો સત્તાવાર હિસાબ જાહેર જનતા સમક્ષ મૂકવો જોઈએ.

આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચા જગાવતો મુદ્દો નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરીનો રહ્યો છે. આદિવાસી સમાજના અધિકારો અને વિકાસ સાથે જોડાયેલા આટલા મોટા કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પ્રતિનિધિઓ જોવા ન મળતાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. શું આ પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, આયોજનમાં યોગ્ય સ્થાન ન મળવાથી તેઓ નારાજ હતા, કે પછી કોઈ રાજકીય કારણોસર તેમણે કાર્યક્રમથી અંતર જાળવ્યું હતું? આ મામલે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી સ્પષ્ટતા કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાએ ૧૭ હજારથી વધુ આદિવાસી ખેડૂતોને વન અધિકાર અધિનિયમ હેઠળ લાભ અને સનદો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, દેડિયાપાડા અને સાગબારા તાલુકાના સ્થાનિક ખેડૂતોને ખરેખર કેટલો લાભ મળ્યો તે અંગે સ્પષ્ટતાની માંગ થઈ રહી છે. સાગબારા સહિતના આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી વન અધિકારના અનેક દાવાઓ પેન્ડિંગ પડ્યા છે અને ખેડૂતો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે, આ ઉજવણી દરમિયાન દેડિયાપાડા અને સાગબારા તાલુકાના કેટલા પેન્ડિંગ દાવાઓનો નિકાલ કરાયો, કેટલા મંજૂર થયા અને કેટલા નામંજૂર થયા તેના તાલુકાવાર સત્તાવાર આંકડા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

ભગવાન બિરસા મુંડાએ જળ, જંગલ અને જમીનના હક માટે ઐતિહાસિક લડત ચલાવી હતી. સ્થાનિક નાગરિકો અને આગેવાનોનું માનવું છે કે તેમની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી માત્ર ભવ્ય મંચ, ભાષણો અને જાહેરાતો પૂરતી સીમિત ન રહેવી જોઈએ. આદિવાસી ખેડૂતોને જમીનના કાયદેસરના અધિકાર પત્રો મળે અને છેવાડાના ગામો સુધી શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની પાયાની સુવિધાઓ પહોંચે તે જ ભગવાન બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here