ભરૂચ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા પાંચબત્તી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. પાંચબત્તી નજીક આવેલા બુદ્ધદેવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર અચાનક એક સિમેન્ટનો વીજ થાંભલો ધરાશાયી થયો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક ફોરવ્હીલ કાર પર આ થાંભલો પડતાં કારને મોટું નુકસાન પહોંચ્યું હતું.

ઘટનાની મળતી વિગતો અનુસાર, બુદ્ધદેવ માર્કેટ પાસેના મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર ચાલુ હતી તે દરમિયાન જ અચાનક સિમેન્ટનો વીજ થાંભલો તૂટી પડ્યો હતો. થાંભલો સીધો જ ત્યાંથી પસાર થતી એક કાર પર પડ્યો હતો. થાંભલો પડવાની સાથે જ તેની સાથે જોડાયેલા જીવંત વીજ વાયરો પણ તૂટીને જાહેર રસ્તા પર આવી ગયા હતા. રસ્તા પર વીજ વાયરો પડવાને કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક ખોરવાઈ ગયો હતો અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો.
આ માર્ગ પર સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી મોટી જાનહાનિ થવાની ભીતિ હતી. જોકે, સદનસીબે થાંભલો પડ્યો તે સમયે કારની આસપાસ રહેલા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ સમયસર સતર્ક થઈ જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનામાં કારને નુકસાન થવા સિવાય અન્ય કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી, જેના કારણે તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.






