ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામે રામજી મંદિર પાસે તા. 15 નવેમ્બર, 2026ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારીઓને કેન્દ્રમાં રાખીને લખાયેલા ચૂંટણી ગામની અને જવાબદારી ખુરશીની! પુસ્તકનો ભવ્ય વિમોચન સમારોહ યોજાયો હતો. લેખક રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા લખાયેલા આ પુસ્તકના વિમોચન પ્રસંગે રાજકીય, સામાજિક અને સ્થાનિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તક માત્ર ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયાની માહિતી પૂરતું સીમિત નથી, પરંતુ ચૂંટણી લડતા ઉમેદવારોથી લઈને વિજય બાદ સત્તાની ખુરશી પર બિરાજમાન થતા પ્રતિનિધિઓએ કઈ રીતે પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ તેનું માર્ગદર્શન પણ પૂરું પાડે છે.

લોકશાહીમાં ચૂંટણી જીતવી એ અંતિમ લક્ષ્ય નહીં, પરંતુ જનતાની સેવા કરવાની જવાબદારીની શરૂઆત છે, તેવો વિચાર પુસ્તકના શીર્ષકમાં પણ પ્રતિબિંબિત થાય છે. સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોનું આયોજકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકશાહીનાં મૂલ્યો, જનસેવાની ભાવના, ગ્રામ્ય વિસ્તારોનો સર્વાંગી વિકાસ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની નૈતિક જવાબદારીઓ અંગે મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ગ્રામ પંચાયત લોકશાહીની પાયાની સંસ્થા હોવાથી તેમાં પારદર્શિતા, નિષ્ઠા અને જવાબદારીનું વિશેષ મહત્વ હોવાનું પણ જણાવાયું હતું.

આ પ્રસંગે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, જયેશભાઈ પટેલ, ઝુલ્ફીકર અલી સૈયદ, તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ ઉર્ફે કાજી, જંબુસર તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા, કમલેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, શમશદ અલી, આમોદના કેતન મકવાણા સહિત રાજકીય, સામાજિક અને સ્થાનિક અગ્રણીઓ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધિત ઉપયોગી માહિતી, ઉમેદવારોની ભૂમિકા, ચૂંટણી જીત્યા બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજો, ગ્રામજનો પ્રત્યેની જવાબદારીઓ અને ગામના વિકાસ માટે જરૂરી નેતૃત્વ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ પુસ્તક ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો ઉપરાંત ગ્રામ પંચાયતની કામગીરી સમજવા માંગતા જાગૃત નાગરિકો માટે પણ માર્ગદર્શક બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here