લોકઆસ્થા અને સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ પૂજાની ભરૂચ જિલ્લામાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સાંજે ભરૂચના નર્મદા નદીના કિનારે આવેલા વિવિધ ઘાટ પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ડૂબતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
ભરૂચ અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોમાં આ પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોર બાદથી જ વ્રતધારી મહિલાઓ અને પરિવારજનો પૂજાની સામગ્રી, ફળો, ઠેકુઆ અને શેરડી ભરેલા સૂપડા માથે લઈને વાજતે-ગાજતે નર્મદા ઘાટ તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા હતા. સમગ્ર વાતાવરણ છઠ મૈયાના ભક્તિમય ગીતોથી ગુંજી ઉઠ્યું હતું.
ભરૂચના દશાશ્વમેધ ઘાટ, નીલકંઠેશ્વર ઘાટ, ગોલ્ડન બ્રિજ પાસેના કિનારા તેમજ અંકલેશ્વરના વિવિધ તળાવો અને નદી કિનારે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.વ્રતધારીઓએ કેડ સમાણા પાણીમાં ઊભા રહીને વિધિવિધાન સાથે આથમતા સૂર્યની પૂજા કરી હતી અને અર્ઘ્ય આપ્યું હતું.ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઘાટ પર લાઇટિંગ, સફાઈ અને બેરિકેડિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તેમજ તરવૈયાઓની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી.
આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્ય અપાશે.
છઠ મહાપર્વના ચોથા અને અંતિમ દિવસે એટલે કે આવતીકાલે વહેલી સવારે શ્રદ્ધાળુઓ ફરીથી ઘાટ પર એકત્રિત થશે. ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ વ્રતધારીઓ પોતાના ૩૬ કલાકના કઠોર નિર્જળા વ્રતના પારણા કરશે અને પ્રસાદનું વિતરણ કરશે.






