ભરૂચથી 17 કિલોમીટર દૂર નર્મદા નદીના કિનારે આવેલા પૌરાણિક તીર્થધામ શુકલતીર્થમાં આગામી 21 નવેમ્બર, કારતકી અગિયારસથી 7 દિવસીય પરંપરાગત જાત્રા અને લોકમેળાનો ભવ્ય પ્રારંભ થશે, જેને લઈને સમગ્ર ગામમાં અત્યારથી જ મેળાનગરી જેવો ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો છે.
શુકલતીર્થ ગ્રામ પંચાયતના સરપંચની આગેવાની હેઠળ વેપારીઓના સ્ટોલ અને નર્મદા તટે તંબુ તાણીને રહેતા જાત્રાળુઓ માટે 600થી વધુ પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે.
ધાર્મિક માન્યતા મુજબ અહીં પાતાળમાંથી પ્રગટેલા સ્વયંભૂ શુક્લેશ્વર મહાદેવ અને સ્વયંભૂ વિષ્ણુ ભગવાનનું પ્રાચીન મંદિર આવેલું હોવાથી કારતક માસમાં દર્શન અને નર્મદા સ્નાનનું વિશેષ મહત્ત્વ રહેલું છે, જેથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પરિવાર સાથે ઉમટી પડશે.
મેળામાં ચકડોળ સહિતના મનોરંજનનાં સાધનો, રમકડાં અને ખાણીપીણીની દુકાનોની રોનક વચ્ચે જાત્રાળુઓની સુવિધા માટે સ્નાનઘાટ સુધી પહોંચવાના માર્ગો, પીવાના પાણી અને લાઈટની વ્યવસ્થા પૂર્ણ કરાઈ છે.
તદુપરાંત, નર્મદા કિનારે સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે તરવૈયાઓની ટીમ, નાવડી, ફાયરબ્રિગેડ તથા વીજ કંપનીના કર્મચારીઓની વિશેષ તૈનાતી કરવામાં આવી છે. સાથે એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શુકલતીર્થમાં સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ શુક્લેશ્વર મહાદેવ આજે પણ હયાત છે. આકાશવાણી મુજબ રાજા ચાણક્યને નર્મદા નદી જ્યાંથી નીકળે છે ત્યાંથી કાળા વસ્ત્ર, કાળી ગાય અને કાળા સઢની નાવ લઈ પ્રસ્થાન કરવા જણાવાયું હતું. જ્યાં આ તમામ વસ્તુઓ શ્વેત થશે ત્યાં રાજન તારો મોક્ષ થશે. આ સાંભળી નર્મદા નદી જ્યાંથી નીકળે છે એવા અમરકંટકથી તીર્થાટન કરતા રાજા તીર્થક્ષેત્ર શુક્લેશ્વર મહાદેવ આવતાં તેના દર્શન થકી ત્રણે વસ્તુઓ સફેદ થતા પાતાળમાંથી મહાકાલ અલૌકિક લિંગ પ્રગટ થયું હતું.






