જંબુસર નગરપાલિકા વિસ્તારના વિવિધ વોર્ડ અને રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનોના હિતમાં કાયમી ઉકેલ લાવવા માટે વોર્ડ નંબર ૪ના કોર્પોરેટર શહેનાઝ એન. પઠાણે પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. તેમણે શહેરની ગટર સફાઈની કામગીરી ખાનગી આઉટસોર્સિંગ એજન્સીને સોંપવાની પ્રબળ માંગ કરી છે.
કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, શહેરના મુખ્ય જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ફરી વળવાને કારણે રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદા પાણીના ભરાવાને લીધે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ઉપરાંત, મચ્છરોનો ઉપદ્રવ પણ બેફામ વધ્યો હોવાથી શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે.

રજૂઆતમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નગરપાલિકા પાસે હાલમાં જે સ્ટાફ અને સાધનો ઉપલબ્ધ છે, તેનાથી સમગ્ર શહેરની ગટર લાઈનોની નિયમિત સફાઈ અને સમયસર સમારકામ કરવું મુશ્કેલ બન્યું છે. પરિણામે, નાગરિકોની વારંવારની ફરિયાદો છતાં કામગીરીમાં વિલંબ થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગટર સફાઈ, ચેમ્બરોની જાળવણી અને તાત્કાલિક સમારકામની તમામ કામગીરી આઉટસોર્સિંગ એજન્સીને સોંપવામાં આવે તે જરૂરી છે.
નગરજનોના જાહેર આરોગ્યના હિતમાં પાલિકાની આગામી સામાન્ય સભા અથવા કારોબારી સમિતિની બેઠકમાં આ અંગે ઠરાવ પસાર કરી સત્વરે યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કરાયો છે. આ ગંભીર પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવા માટે રજૂઆતની નકલ સુરત ઝોનના પ્રાદેશિક કમિશનર તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરને પણ મોકલી આપવામાં આવી છે.






