બે બહેનોએ સાથે મળી સગી ફોઈને જ પતાવી દીધી! કારણ ફોઈ-ભત્રીજાનું ઈલું-ઈલું; રાજકોટ-જેતપુરનો હડકંપ મચાવતો કિસ્સો
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં પારિવારિક સંબંધોને કલંકિત કરતી એક અત્યંત જઘન્ય ઘટના સામે આવી છે. આડા સંબંધોનો ખાર રાખીને સગી ભત્રીજીઓએ જ અન્ય બે સાગરીતો સાથે મળીને પોતાની ફોઈની ક્રૂર હત્યા કરી નાખી છે. જેતપુર સિટી પોલીસે 90 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને બે બહેનો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
ગત 11 નવેમ્બરના રોજ જેતપુરના નવાગઢ રોડ પરથી આશરે 35 થી 40 વર્ષીય એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) કરાવ્યું હતું. પીએમ રિપોર્ટમાં મહિલાનું મોત ગળે ટૂંપો આપવાથી થયું હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક મહિલાની ઓળખ હકુબેન પરમાર તરીકે થઈ હતી. આ મામલે તેમના ભાઈ અરવિંદભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ અને બાતમીદારો પાસેથી મળેલી વિગતો મુજબ, મૃતક હકુબેનને તેમના જ સગા ભાઈ ધમાભાઈના દીકરા રવિ સાથે આડા સંબંધો હતા. આ સંબંધો અંગે રવિની બહેનો રાધા અને મધુને જાણ થતા તેઓ નારાજ હતી. આ બાબતે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા. આખરે બંને બહેનોએ ભેગા મળીને પોતાની જ ફોઈ હકુબેનને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું.
પૂર્વ આયોજિત કાવતરા મુજબ, રાધા અને મધુએ પહેલા હકુબેનને સોડામાં ઝેરી દવા ભેળવીને પીવડાવી દીધી હતી. જોકે, ઝેરી દવાની અસરથી તેમનું મોત થયું ન હતું. આથી, અમુક કલાકો બાદ બંને બહેનોએ અન્ય સાગરીતોની મદદથી હકુબેનની જ ચુંદડી વડે તેમનો ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને લાશને નવાગઢ રોડ પર ફેંકી દીધી હતી.
90 સીસીટીવી કેમેરાની તપાસ બાદ આરોપીઓ ઝડપાયા
હત્યાનો ભેદ ઉકેલવા જેતપુર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. પોલીસે વિસ્તારના આશરે 90 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં એક શંકાસ્પદ રિક્ષામાં ચાર લોકો જતા જોવા મળ્યા હતા. આ કડીના આધારે પોલીસે તપાસ તેજ કરી નીચે મુજબના ચારેય આરોપીઓને દબોચી લીધા છે:
1. રાધાબેન સૈયદ શેખ (મૃતકની ભત્રીજી)
2. મધુબેન લક્ષ્મણ બાવાજી (મૃતકની ભત્રીજી)
3. લક્ષ્મણ ઉર્ફે લખો બાવાજી (મધુબેનનો પતિ)
4. ભુપતભાઈ વાઘેલા
પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરવાની સાથે ગુનામાં વપરાયેલી રિક્ષા અને ઝેરી દવાની બોટલ પણ જપ્ત કરી છે. આડા સંબંધોના કરુણ અંજામ સમાન આ ઘટનાથી સમગ્ર જેતપુર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે ચારેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





