ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવાઈ રહેલા ‘જનજાતીય ગૌરવ દિવસ–૨૦૨૬’ અંતર્ગત ભરૂચ નજીક આવેલા જુના તવરા સ્થિત પવિત્ર મંગલમઠ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને પૂજ્ય સાધુ-સંતોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય અરૂણસિંહ રાણા સહિત ઉપસ્થિત સૌએ ભગવાન બિરસા મુંડાજીના જીવન, સંઘર્ષ અને દેશ પ્રત્યેના તેમના યોગદાનને યાદ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મંગલમઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી સૌને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

1. મંગલમઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
2. પૂજ્ય સાધુ-સંતોનું શાલ અને પુષ્પમાળાથી ભાવભીનું સન્માન
3. સેવા અને આધ્યાત્મિક મૂલ્યો જ સાચી શ્રદ્ધાંજલિ: ધારાસભ્ય અરૂણસિંહ રાણા

આ પ્રસંગે સંબોધન કરતા ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતાના સંકલ્પ સાથે સમાજમાં સેવા, સમર્પણ અને આધ્યાત્મિક મૂલ્યોની ભાવનાને વધુ મજબૂત બનાવવી એ જ ભગવાન બિરસા મુંડાજીને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમણે પૂજ્ય સાધુ-સંતોનું શાલ ઓઢાડી અને પુષ્પમાળા પહેરાવી ભાવભીનું સન્માન કર્યું હતું અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here