ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ફરી એકવાર આંતરિક વિખવાદ અને જૂથબંધી જાહેરમાં આવી છે. ભરૂચ કોંગ્રેસ કચેરી ખાતે યોજાયેલી એક મહત્વની બેઠક દરમિયાન જ પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતાં રાજકારણ ગરમાયું છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સભ્ય ચારુલતા ટોક્ષની હાજરીમાં જ આ સમગ્ર હંગામો સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં એક સંગઠનલક્ષી બેઠક ચાલી રહી હતી. બેઠક દરમિયાન ફોટોગ્રાફી (તસ્વીર ખેંચવા)ની બાબતે સ્થાનિક નેતાઓ આમને-સામને આવી ગયા હતા. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી અને ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી વચ્ચે ફોટોમાં આગળ ઊભા રહેવા કે સ્થાન મેળવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વધી ગયો કે બંને નેતાઓ જાહેરમાં એકબીજા સાથે બાખડી પડ્યા હતા અને કચેરીનું વાતાવરણ તંગ બની ગયું હતું.

AICCના સભ્યની હાજરીમાં શિસ્તના ધજાગરા

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સ્ટેજ અને બેઠકમાં AICCના સભ્ય ચારુલતા ટોક્ષ પણ ઉપસ્થિત હતા. કેન્દ્રીય અને પ્રદેશ સ્તરના નેતાઓની હાજરી હોવા છતાં સ્થાનિક નેતાઓએ શિસ્તના ધજાગરા ઉડાડ્યા હતા. મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવીએ આક્ષેપ કર્યો છે કે સલીમ અમદાવાદી દ્વારા તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું અને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા.

મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

કોંગ્રેસ કાર્યાલયનો આ આંતરિક ઝઘડો હવે પોલીસ ચોપડે ચડ્યો છે. ઘટનાથી નારાજ અને આક્રોશિત બનેલા મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી તાત્કાલિક ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. તેમણે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી વિરૂદ્ધ લેખિતમાં ફરિયાદ આપી છે અને કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને પગલે ભરૂચના રાજકીય આલમમાં ભારે ચર્ચા જાગી છે. આગામી સમયમાં પ્રદેશ કોંગ્રેસ હાઈકમાન્ડ આ શિસ્તભંગના પગલે બંને નેતાઓ સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here