નવી દિલ્હીમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક યોજાઈ હતી. જેમાં નર્મદા યોજનાના દાયકાઓ જૂના વિવાદનો ઐતિહાસિક ઉકેલ આવ્યો છે. આ ઐતિહાસિક બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની હાજરીમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સંબંધિત દાયકાઓથી પેન્ડિંગ લેણાંના સમાધાનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

વિગતે વાત કરીએ તો, ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન નર્મદા નદી પર ખેતી સિંચાઈ માટે સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. આ નદીનું પાણી ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ પહોંચે છે, જેથી આ ચારેય રાજ્યોના સહિયારા ખર્ચથી આ સરદાર સરોવર ડેમના બાંધકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ડેમના બાંધકામ ખર્ચની વહેંચણી સહિતના કેટલાક મુદ્દાઓને લઈને આ રાજ્યો વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો હતો.

મળતી વિગતો અનુસાર, નર્મદા નદી સરદાર સરોવર ડેમ યોજનામાં 31 જુલાઈ 2025ની સ્થિતિએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી ગુજરાતને કુલ રૂ. 7,974.86 કરોડ લેવાના બાકી હતા. મધ્યપ્રદેશ પાસેથી રૂ. 5,516.50 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી રૂ. 1,883.84 કરોડ અને રાજસ્થાન પાસેથી રૂ. 574.52 કરોડ લેવાના હતા. આ લાંબા સમયથી પડતર નાણાકીય વિવાદના ઉકેલ માટે ગત 7 જુલાઈ, 2026ના રોજ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક હતી.

સરકાર તરફથી સામે આવી રહેલા અનુસાર, આ વિવાદ મામલે ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાને વન-ટાઈમ સેટલમેન્ટ કર્યો છે. કેન્દ્રએ આ મામલે મધ્યસ્થી રાખી ડેમ બાધકામ સમયે થયેલા પુનઃવસન ખર્ચમાં મધ્ય પ્રદેશનો હિસ્સો 31.98%થી ઘટાડીને 16.17% કરી દીધો છે, જ્યારે મહારાષ્ટ્રનો હિસ્સો 7.76% કરી નાખ્યો છે. જ્યારે મુખ્ય લાભાર્થી રાજ્ય તરીકે ગુજરાતનો ખર્ચ હિસ્સો 50.57%થી વધારીને 75% કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશે ગુજરાત સામેનો રૂ. 7,669 કરોડનો દાવો જતો કર્યો, જેનાથી ચારેય રાજ્યો વચ્ચેના નાણાકીય હિસાબો ક્લિયર થયા હોવાની માહિતી સામે આવી રહી છે.

આજે ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં સધાયેલી સહમતીને આગળ વધારતા આજે લાંબા સમયથી પેન્ડિંગ આર્થિક વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે. આ સાથે જ બાકી ચૂકવણીઓના સમયબદ્ધ સમાધાન અને કરારના અસરકારક અમલીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ માત્ર બાકી ચૂકવણીઓનો ઉકેલ નથી, પરંતુ દાયકાઓ જૂના મતભેદોને પાછળ છોડીને પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સહિયારા વિકાસના એક નવા યુગની શરૂઆત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here