ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં ₹80થી વધીને ₹98 સુધીનો ઉછાળો આવ્યો છે. પરિણામે પરિવહનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને સામાન્ય નાગરિકો પણ સીએનજી ગેસના ભાવવધારાનો શિકાર બનશે.

વધતી મોંઘવારી સાથે પેટ્રોલ-ડીઝલ અને CNG ગેસના ભાવમાં ચઢાવ-ઉતાર આવતો રહે છે. પરંતુ હાલ ગુજરાતમાં સીએનજી (CNG) થી ચાલતાં વાહનોના સંચાલન ખર્ચમાં મોટો વધારો થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹80થી વધીને ₹98 સુધીનો ઉછાળો આવતાં હવે લોડિંગ વાહનોના ભાડામાં પણ વધારો જોવા મળશે.
ગુજરાતમાં માલસામાનની હેરફેર માટે મોટી સંખ્યામાં લોડિંગ વાહનોમાં સીએનજીનો ઉપયોગ થાય છે. પરંતુ અગાઉ પ્રતિ કિલોગ્રામ ₹80ની આસપાસ મળતો સીએનજી ગેસ હવે ₹98 સુધી પહોંચી ગયો છે. ઇંધણના ભાવમાં સતત થતા વધારાને કારણે વાહનચાલકો માટે જૂના દરો પર વાહનો ચલાવવું હવે આર્થિક રીતે પોષાય તેમ રહ્યું નથી. આ અગાઉ જે ટ્રીપનું ભાડું ₹1,500 લેવામાં આવતું હતું, તે હવે વધીને ₹1,800 થી ₹2,200 સુધી પહોંચી ગયું છે. જ્યારે પ્રતિ કિલોમીટર ₹15 થી ₹20 ના દર વધીને હવે ₹19 થી ₹22 સુધી પહોંચી ગયા છે. દિવાળી ટાણે જ અચાનક થયેલા આ ભાવ વધારાને પગલે જનજીવન પ્રભાવિત થશે.





