ભરૂચ જિલ્લામાં માર્ગ સલામતીના નિયમોનું ચુસ્ત પાલન થાય અને સરકારી તિજોરીને નુકસાન ન પહોંચે તે હેતુથી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા એક પ્રશંસનીય અને પરિણામલક્ષી આકસ્મિક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ઔદ્યોગિક હબ ગણાતા દહેજ, અંકલેશ્વર અને ઝઘડિયા જીઆઇડીસીની વિવિધ કંપનીઓમાં કામદારો અને મુસાફરોને નિયમિત લાવવા-લઈ જવાનું કાર્ય કરતી ખાનગી સ્ટાફ બસોનું આરટીઓ ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ વિશેષ ડ્રાઇવ દરમિયાન લાંબા સમયથી રોડ ટેક્સ ભરવામાં આનાકાની કરતા વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટરો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

નિયમભંગ કરનાર કુલ 37 બસોને મેમો ફટકારીને તંત્ર દ્વારા અંદાજે રૂ.15,37,412 ની માતબર રકમનો બાકી રોડ ટેક્સ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો છે. હાલ અન્ય 16 મેમો ભરપાઈ કરવાના બાકી હોવાથી સંબંધિત વાહન માલિકોને નિયત સમયમર્યાદામાં સરકારી વેરો જમા કરાવી દેવા સૂચના આપવામાં આવી છે.

મોટર વાહન અધિનિયમ મુજબ દરેક કોમર્શિયલ તેમજ પેસેન્જર વાહને નિયત રોડ ટેક્સ ભરવો ફરજિયાત છે. આ સરકારી વેરો માર્ગોના નિર્માણ, સમારકામ અને સલામતી વ્યવસ્થા માટે વપરાય છે. ટેક્સ ન ભરનાર વાહનો સામે 18% સુધીનું વ્યાજ, દંડ અને વાહન જપ્તી સહિતની કાનૂની કાર્યવાહી થઈ શકે છે. સમયસર ટેક્સ ભરપાઈ કરવાથી મુસાફરોની સુરક્ષા સાથે વાહન વ્યવહાર નિયમબદ્ધ રહે છે.

ભરૂચ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના પી.આર.પઢિયાર આરટીઓ ભરૂચ દ્વારા જિલ્લાના તમામ વાહન માલિકોને બાકી રહેતો વાહન વેરો નિયત સમયમર્યાદામાં ભરપાઈ કરવા અનુરોધ છે. મુદત વીત્યા બાદ ભારે વ્યાજ, દંડ તેમજ વાહન ડિટેઈન કરવા સહિતની કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. વાહનચાલકો કોઈપણ પ્રકારની અગવડ કે દંડથી બચવા તાત્કાલિક ઓનલાઈન પોર્ટલ અથવા કચેરી ખાતે જઈ ટેક્સ જમા કરાવી સહયોગ આપે તેવી અપીલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here