The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News આમોદમાં જાહેર રસ્તા પર કંપનીનો હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઢોળાયો

આમોદમાં જાહેર રસ્તા પર કંપનીનો હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઢોળાયો

0
આમોદમાં જાહેર રસ્તા પર કંપનીનો હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઢોળાયો

આમોદ પંથકમાં ઔદ્યોગિક બેદરકારીનો ગંભીર મામલો સામે આવ્યો છે. વાગરાના દહેજ વિસ્તારની મેહાલી કંપનીમાંથી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ભરીને નીકળેલી ટ્રકમાંથી આમોદ ડેપોથી ચાર રસ્તા અને સમા હોટલ સુધીના મુખ્ય માર્ગ પર જોખમી કેમિકલ વેસ્ટ ઢોળાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ ઘટનાએ રહીશો, વેપારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર પડેલા કેમિકલ વેસ્ટમાંથી નીકળતી તીવ્ર દુર્ગંધના કારણે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગૂંગળામણ જેવી સમસ્યાઓ ઉભી થઈ રહી છે.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ જ માર્ગ પરથી મિશ્ર શાળા નંબર-૨ ના ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ દરરોજ અવરજવર કરે છે. માસૂમ બાળકોને નાક પર રૂમાલ રાખીને શાળાએ જવાની ફરજ પડી રહી હોવાનું વાલીઓએ જણાવ્યું છે. રાત્રિના સમયે કેમિકલ ભરેલી ગાડીઓમાંથી લીકેજ થતું હોવાના પણ સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. દુર્ગંધના કારણે મહિલાઓ અને વૃદ્ધો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


જો સમયસર વૈજ્ઞાનિક પદ્ધતિથી સફાઈ નહીં કરવામાં આવે તો વરસાદી માહોલમાં ઝેરી કચરો વધુ ફેલાઈ આરોગ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ ઘટનાને લઈને હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનો સવાલ છે કે હેઝાર્ડસ વેસ્ટનું પરિવહન કડક નિયમો હેઠળ થવાનું હોય છતાં ખુલ્લેઆમ રસ્તા પર કેમિકલ કેવી રીતે ઢોળાયું? જો આટલી ગંભીર બેદરકારી થઈ હોય તો જવાબદાર સામે હજુ સુધી કડક કાર્યવાહી કેમ નથી?

આમોદની પ્રજાએ હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ મેહાલી કંપની, ટ્રાન્સપોર્ટર અને સમગ્ર ઘટનામાં જવાબદાર તમામ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ રસ્તા પર પડેલા ઝેરી કેમિકલ વેસ્ટની તાત્કાલિક સફાઈ, સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે કડક પગલાં ભરવાની માંગ પણ જોર પકડી રહી છે.

આમોદની મિશ્ર શાળા નંબર-૨ના વિદ્યાર્થીઓએ પણ મીડિયા સમક્ષ ખુલ્લેઆમ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. બાળકોનું કહેવું હતું કે રસ્તા પર રેલાયેલા ઝેરી કેમિકલ વેસ્ટમાંથી ઉઠતી અસહ્ય દુર્ગંધના કારણે શાળાએ જવું મુશ્કેલ બની ગયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતાં નાક પર રૂમાલ રાખીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે. માસૂમ બાળકોનો સવાલ હતો કે જ્યારે મોટા લોકો માટે આ દુર્ગંધ સહન કરવી મુશ્કેલ છે, ત્યારે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે આટલી ગંભીર બેદરકારી કેમ? બાળકોના આક્રોશે તંત્રની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!