•ઓએનજીસીની લાઇન નાંખવા માટેના ૧૦ લાખના પાઇપ ચોરી કરવાનો પ્રયાસ
ભરૂચ તાલુકામાં આવેલાં બોરી ગામની સીમમાં ચાલી રહેલી ઓએનજીસીની પાઇપલાઇન નાંખવાની કામગીરીને લઇને સન્માર્ગ પ્રોજેક્ટ લિમીટેડ કંપનીએ ત્યાં ૧૦ લાખની મત્તાના ૫૦ પાઇપ સ્ટોર કર્યાં હતાં. દરમિયાનમાં એક ટેમ્પો ચાલક સહિત તસ્કર ટોળકી દ્વારા પાઇપ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નબીપુર પોલીસે મુદ્દામાલ કબજે કરી લીધો હતો.આ ઘટના અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી જગન્નાથપુી સોસાયટીમાં રહેતાં પ્રલ્હાદસિંહ સોલંકી સન્માર્ગ પ્રોજેક્ટ લિમીટેડ કંપનીમાં ઇલેક્ટ્રીકલ ટેક્નિશિયન તરીકે નોકરી કરે છે. તેમની કંપનીને ઓએનજીસી કંપનીમાં બોરિંગ માટેનો કોન્ટ્રાક્ટ ચાલે છે. તેમની કંપની ગંધાર બરોડા કોઇલી તથા દહેજ ખાતે ડ્રીલીંગનું કામ કરી રહી છે.
જેથી દયાદરાથી નબીપુર રોડ પર બોરી ગામ પાસે નબીપુર તરફ ઓએનજીસી સીપી પોઇન્ટની ખુલ્લી જગ્યામાં સન્માર્ગ પ્રોજેક્ટ લિમીટેડ કંપનીએ ૧૦ લાખની મત્તાની ૫૦ પાઇપ ઉતારી હતી. આ અરસામાં એક ટેમ્પો ચાલક તેમજ તસ્કર ટોળકી દ્વારા તેમની પાઇપો ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો.
જ્યારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચતાં જ તમામ આરોપી ફરાર થઇ ગયાં હોઇ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવને પગલે સન્માર્ગ પ્રોજેક્ટ લિમીટેડ કંપનીએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી પાઇપ ચોરી કરવાના પ્રયાસ કરનાર તસ્કર ટોળકીના પગેરૂં મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે.