The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 46

બિસ્માર રોડને લઈ ઝઘડિયાના ખરચી ગામ નજીક ગ્રામજનો દ્વારા કરાયો ચક્કાજામ

ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક સ્ટેટ હાઇવે પર ખરચી ગામના લોકોએ બિસ્માર માર્ગ પરથી ઊડતી ધૂળના કારણે અનેક બીમારીઓ થાય છે. વાહનોની નુકસાન થાય છે, તેમજ અકસ્માતો પણ વધ્યા છે. જેથી ખરચી ગ્રામજનોએ રોડ પર ટ્રેક્ટર, પથ્થરો તેમજ બાઇકો મૂકી ચક્કાજામ કર્યો હતો. સ્ટેટ હાઇવેને બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ બનાવની જાણ ઝઘડિયા પોલીસને થતા પીઆઈ વામન ભરવાડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ અંગે ગ્રામજનો દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારી, મામતદાર અને PWD અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સમજાવવામાં આવતા આ રસ્તો ફરીથી રાબેતા મુજબ શરૂ થયો હતો. સાથે જ આ સમસ્યાનું સમાધાન જલ્દીથી નહીં આવે અને ખરાબ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો ફરીથી આ રસ્તો બંધ કરવામાં આવશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

ભરૂચની 5 બેઠકો માટે 11 ઉમેદવારીપત્રો અમાન્ય

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે કુલ 82 ઉમેદવારીપત્રો ભરાયા હતાં જેની મંગળવારના રોજ ચકાસણી હાથ ધરાતાં 11 ઉમેદવારીપત્રો રદ થયાં હતાં.ભરૂચ, જંબુસર, વાગરા, ઝઘડિયા અને વાગરા વિધાનસભા બેઠકો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રોની મંગળવારે ચકાસણી હાથ ધરાઇ હતી. અંકલેશ્વરમાં 12 ઉમેદવારીપત્રોમાંથી 8 માન્ય અને 4 અમાન્ય કરાયાં હતાં. તેવી જ રીતે ભરૂચમાં કુલ 17 ઉમેદવારીપત્રો આવ્યાં હતાં જેમાંથી 15 માન્ય અને 2 અમાન્ય રખાયાં હતાં. જંબુસરની વાત કરીએ તો 15માંથી 14 ફોર્મ માન્ય જ્યારે એક ફોર્મને અમાન્ય કરવાનો નિર્ણય લેવાયો હતો.

ઝઘડિયા બેઠક પર 18માંથી 16 માન્ય અને 02 ફોર્મ અમાન્ય રખાયાં છે. વાગરા બેઠક પર 20માંથી 18 ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે જયારે એક ફોર્મ રદ કરાયું છે. ભરૂચની પાંચ વિધાનસભા માટે 11 ઉમેદવારી પત્રો અમાન્ય રખાયાં છે જયારે અન્ય માન્ય રાખવામાં આવ્યાં છે. ગુરૂવાર સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાય તેમ હોવાથી ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ અંતિમ ચિત્ર સામે આવશે.

આમોદના માતરમાં આદિવાસી યુવાને ફોડેલા ફાટકડાનો તણખો ઉડતા મુસ્લિમ યુવકે મોતને ઘાટ ઉતાર્યો

આમોદ તાલુકાના માતર ગામે ફટાકડા ફોડતા તણખો બાજુમાં મુસ્લિમ યુવકના ઘર આગળ થર્મોકોલના ખોખા ઉપર પડતાં થર્મોકોલ સળગી ગયું હતું જેની રીષ રાખી મસ્જીદ ફળિયામાં રહેતા મુસ્લિમે યુવકને મારમારી જીવલેણ ઇજાઓ પહોંચાડતા તેનું બીજા દિવસે કરુણ મોત થયું હતું.આમોદ પોલીસે હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના માતર ગામે ગત ૧૩ મી નવેમ્બરના રોજ રાત્રીના સમયે જગદીશ જીવણ વસાવા ઉ.વ.૪૦ તેના ઘરના આગળ આંગણામાં ફટાકડા ફોડતો હતો.તેવામાં ફાટકડાનો તણખો ઉડીને મસ્જિદ ફળિયામાં રહેતા ફૈઝલ મહંમદ કાળા ના ઘર ઉપર રાખેલા થર્મોકોલના ખોખા ઉપર પડતા થર્મોકોલ સળગ્યું હતું.જેની રીષ રાખી ફૈઝલ મહંમદ કાળાએ જગદીશ વસાવાને મોઢા ઉપર પેટ ઉપર છાતીના ભાગે તેમજ પેઢા ના ભાગે લાતો મારી ઢીકા પાટુનો માર માર્યો હતો.જેથી જીવલેણ ઇજાઓ થતા તેનું ૧૪ મી નવેમ્બરના રોજ બપોરના સમયે કરુણ મોત થયું હતું.જે બાબતે મરણ જનાર જગદીશ વસાવાના કાકી મંજુલાબેન વસાવાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.પોલીસે ફૈઝલ મહંમદ સામે હત્યા તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.જેની તપાસ એસ.એસટી.સેલના નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સરવૈયા ચલાવી રહ્યા છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ ભાજપા ઉમેદવારે જગતજનનીના ચરણોમાં વંદન બાદ કર્યો પ્રચારનો શુભારંભ

૧૫૩-ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપમાંથી ઉમેદવારી કરનાર રમેશભાઇ મિસ્ત્રીએ આજે સિદ્ધનાથ નગર ખાતે અંબિકાધામમાં માતાજીને વંદન કરી ચુંટણી પ્રચારનો શુભારંભ કર્યો હતો.

ભરૂચના સિદ્ધનાથનગર અંબિકાધામમાં ઉમેદવાર રમેશભાઇ મિસ્ત્રીએ માતાજીના આશીર્વાદ લીધા બાદ સોસાયટીમાં રેલી સાથે ઘેર-ઘેર ફર્યા હતા જ્યાં લોકોએ સ્વયં તેમને ફૂલહાર કરી મોઢુ મીઠ્ઠું કરાવી વિજયી ભવના આશીર્વાદ આપ્યા હતા.

તા. ૧-૧૨-૨૦૨૨, ગુરૂવારે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૩ ભરૂચ વિધાનસભા મતવિસ્તાર માટે ઉમેદવાર તરીકે રમેશભાઇ મિસ્ત્રીની પસંદગી થઈ છે. તેઓ પાણી, રોડ-રસ્તા, સ્વચ્છતા, માળખાકીય સુવિધા, શિક્ષણ, આરોગ્ય, સલામતી જેવા વિષયોને પ્રાધાન્ય આપી પ્રજાહિતમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે. ફરીથી તેમને સેવા કરવાની તક આપી ભરૂચના વિકાસમાં “ભરોસાની ભાજપ સરકાર ‘ના સુત્રને સાર્થક કરવાની તક આપશોની અપીલ સાથે રમેશ મિસ્ત્રીને જંગી બહુમતીથી જીતાડવા હાર્દિક અપીલ પણ તેમણે કરી હતી.

આ પ્રસંગે યોજાયેલ વિશાળ રેલીમાં ઉમેદવાર સાથે જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,દિવ્યેશ પટેલ,નિરલભાઇ પટેલ,નિશાંત મોદી,દિપક મિસ્ત્રી,ઘર્મેશ મિસ્ત્રી,પાલિકા પ્રમુખ અમીત ચાવડા,હેમેન્દ્ર પ્રજાપતિ સહિત કોર્પોરેટરો હોદ્દેદારો અને સ્વયંમ સિદ્ધનાથ નગરના મોભી અને રહિશો ઉપસ્થીત રહ્યા હતા.

અંકલેશ્વરના કોસમડી નજીકથી જુગાર રમતા 7 ખેલીઓ ઝડપાયા

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે, અંકલેશ્વર કોસમડી ગામ નજીક આવેલ નવી કોલોની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દારોડાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી રોકડા 32 હજાર રોકડા અને સાત મોબાઈલ ફોન તેમજ પાંચ મોટર સાઇકલ મળી કુલ રૂ. 1.72 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કોસમડી ગામના નવપરા વિસ્તારમાં રહેતો જુગારી સુરેશ બાબુ વસાવા, વિશાલ બાબુ પટેલ, મોહસીન સઈદ ખલિફા, મહંમદ બિલાલ ફારૂક વડીયા, નરેશ વસાવા સહિત સાત જુગારીયાઓને ઝડપી પાડી જી.આઈ.ડી.સી.પોલીસ મથકના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલાં દારૂનો મોટો જથ્થો જપ્ત

વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે દારૂની રેલમછેલ થવાની શક્યતાઓને લઇને ભરૂચ એસ.પી ડો. લીના પાટીલ દ્વારા જિલ્લામાં દારૂબંધીની ચુસ્ત અમલવારી માટેની સુચના આપવામાં આવી છે.

જેથી એલસીબી પીઆઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ તેમજ તેમની ટીમના હેડ કોન્ટેબલ સહિતના કર્મીઓ સાથે નેત્રંગ ચોકડી પાસે વોચ ગોઠવી એક ટેમ્પો અને પાયલોટીંગ કરનાર બાઇકને ઝડપી હતી.

જેમાં પોલીસ ટીમને ટેમ્પોમાં બનાવેલાં ચોરખાનામાં કુલ 4.83 લાખની મત્તાનો વિદેશીદારૂ સંતાડેલો મળી આવ્યો હતો. ટીમે દારૂની હેરાફેરી કરનાર સોયેબ ઇલ્યાસ પટેલ (રહે. શેરપુરા, ભીખી સ્ટ્રીટ, ભરૂચ) , પ્રથમેશ અશોક ચૌહાણ ( દહીસર, મુંબઇ) તેમજ જેસિંગ ધનુ વસાવા ઉમરપાડા, સુરત એમ ૩ આરોપીઓને ઝડપી પાડી કુલ 10.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી આરંભી છે.

ભરૂચમાં ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા માટે ટીમો કાર્યરત

ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર યોગ્ય દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારો માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષણ તંત્ર ઉભું કરેલ છે. જેમાં વિધાનસભા દીઠ ફ્લાઇંગ સ્ક્વોડ -3, સ્ટેટીક સર્વેલન્સ ટીમ-3, વિડીઓ સર્વેલન્સ ટીમ-1, વિડીઓ વ્યુઇંગ ટીમ-1, એકાઉન્ટીંગ ટીમ-1ની રચના કરવામાં આવેલ છે.

ફ્લાઇગ સ્કવોડ આચારસંહિતા તથા ચૂંટણી ખર્ચ અંગેની ફરિયાદોના નિવારણ માટે તપાસ કરશે, સ્ટેટીંક સર્વેલન્સ ટીમ મતવિસ્તારના અલગ- અલગ નાકાઓ પર રહી તપાસ કરશે. વિડીઓ સર્વેલન્સ ટીમ ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચારની તપાસ કરી. આ ટીમો દ્વારા કેપ્ચર કરવામાં આવેલ વિડીયો સીડી વિડીઓ વ્યુઈંગ ટીમ જોઇને ખર્ચની આઈટમ નક્કી કરશે.

જ્યારે હિસાબી ટીમ નક્કી કરેલા દરોએ આ આઇટમ સામે ખર્ચ નક્કી કરશે. આ રીતે દરેક ટીમો ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખશે અને ચૂંટણી પંચને દરરોજ અહેવાલ મોકલશે. આ દરેક ટીમ ચૂંટણી જાહેર થયા તારીખથી પરિણામના દિવસ સુધી કાર્યરત રહેશે. જેની નોંધ જાહેર જનતાએ લેવા અનુરોધ કર્યો હતો.

અંકલેશ્વરના તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ અને આપ ના કાર્યકરો જોડાયા ભાજપમાં

અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ ના માજી પ્રમુખ સહીત 100થી વધુ અને આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો અને 150 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ભાજપ કાર્યાલય ખાતે ઈશ્વરસિંહ પટેલે ખેસ પહેરાવી આવકાર્યા હતા.

અંકલેશ્વર ભાજપ કાર્યાલય ખાતે  ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ ના માજી પ્રમુખ બાલુભાઈ પટેલ ,તેમના પુત્ર દીક્ષિત પટેલ સહીત 100થી વધુ કાર્યકરો તેમજ આમ આદમી પાર્ટી ના સંગઠન મંત્રી ચંદ્રેશ પટેલ સહીત હિરેન પટેલ,ભદ્રેશ પટેલ,ચૌહાણ સહીત 150 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

તેઓ ને ઈશ્વરસિંહ પટેલે ખેસ પહેરાવી આવકાર્યા હતા સાથે ભાજપમાં જોડાયેલા તમામ આગેવાનો ચૂંટણી પ્રચાર કાર્ય માં જોડાઈ ગયા હતા.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ,વિનય વસાવા ,સુધીરભાઈ ગુપ્તા ,સંદીપ પટેલ ,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચની 5 બેઠકો માટે છેલ્લા દિવસે 75 ફોર્મ ભરાયા

વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભરૂચમાં 7 કલાક સુધી ભરૂચ અને વાગરા બેઠક માટે ઉમેદવારી નોંધાવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોનો વરઘોડો જામ્યો હતો. છેલ્લા દિવસે જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ડમી સહિત કુલ 75 ફોર્મ ભરાયા હતા. જેમાં 46 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ભરૂચ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ શક્તિનાથથી કલેકટર કચેરી ખાતે સંગઠન, કાર્યકરો અને સમર્થકોના પ્રચંડ જનસેલાબ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પોતાની જીત નિશ્ચિત હોવાના પરચમ લેહરાવી દીધા હોવાનો માહોલ સર્જી દીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલે પણ ડીજે અને ફટાકડાની ગુંજ સાથે આ વખતે પંજો ભરૂચ બેઠક ઉપર છવાઈ જશે તેવી ખાતરી સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

જ્યારે આમ આદમી પાર્ટીમાંથી મનહર પરમાર પણ સમર્થકો અને પક્ષ સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભરવા આવી પોહચ્યા હતા. વાગરા બેઠક પરથી કોંગ્રેસના સુલેમાન પટેલે પણ પક્ષના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોની મેદની સાથે શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભર્યું હતું. તો આપ ના જ્યેન્દ્રસિંહ રાજે પણ આજે તેમનું નામાંકન વાગરા બેઠક માટે ભર્યું હતું. એક બાદ એક ઉમેદવારો અને પક્ષોના બેન્ડ બાજા સાથે વરઘોડાને લઈ ભરૂચ જાણે સાત કલાક સુધી ચૂંટણીના મુરતિયાઓથી છવાયેલું રહ્યું હતું.

અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી વિજયસિંહ પટેલે રેલી કાઢી ભાજપના ઉમેદવાર એવા પોતાના ભાઈ ઇશ્વરસિંહ સામે ઉમેદવારી નોંધાવી હતી. તેઓએ આગેવાનો તેમજ કાર્યકરો સાથે પ્રાંત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પોહચ્યા હતા. જંબુસર બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીએ પણ આજે અંતિમ દિવસે શક્તિપ્રદર્શન સાથે પ્રાંત કચેરીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

પાંચેય બેઠકો માટે ડમી સહિત કુલ 75 ભરાયેલા ફોર્મમાં 46 ઉમેદવાર નોંધાયા છે. ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા માટે 20 ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ, અપક્ષ સહિત કુલ 9 વ્યક્તિઓએ ઉમેદવારી કરી છે. જંબુસર બેઠક ઉપર વિવિધ પાર્ટી અને અપક્ષના 15 ફોર્મમાં 11 વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી છે. ઝઘડિયા બેઠક ઉપર કુલ ભરાયેલા 18 ફોર્મમાં 11 વ્યક્તિઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. અંકલેશ્વર બેઠક માટે કુલ 12 ફોર્મ ભરાયા છે. જેમાં 7 ઉમેદવાર નોંધાયા છે. જ્યારે ભરૂચ બેઠક ઉપર માત્ર 10 ફોર્મમાં 8 ઉમેદવારો રહેલા છે. હવે આવતીકાલે મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી અને ત્યારબાદ 17 મી એ પરત ખેંચવાની તારીખે ભરૂચ જિલ્લાની 5 બેઠકો માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

ભરૂચ-દહેજ રોડ ઉપર ટેન્કર ચાલકે ટક્કર મારતાં એક મહિલાનું મોત

ભરૂચ-દહેજ રોડ ઉપર ગત મોડી સાંજે પુર ઝડપે આવતા એક ટેન્કરે ટર્ન મારી ઉભેલ બાઇકને ટકકર મારતા બાઇક પર પાછળ બેઠેલ મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

અકસ્માતના આ બનાવમાં ગત મોડી સાંજે ભરૂચ-દહેજ રોડ ઉપર ફરહાન યુનુશ દુધવાલા વોરા પટેલ તેનાં ફુવા ઇબ્રાહીમ વરેડીયાવાલા નાઓની હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. GJ 16 DD 2863 ની લઈ તેમના કુટુંબી ભાભી રીઝવાનાબાનુ ઇમરાન મુસા પટેલ ઉં.વ. ૩૪ રહે. દહેગામ રેહમત બંગ્લોઝ, ભરૂચ નાઓ સાથે ભરૂચ કામ અર્થે ગયા હતા.

તેઓ ભરૂચથી પરત દહેગામ ગામે ઉપરોકત મોટર સાયકલ ઉપર આવતા હતાં ત્યારે દહેગામ ગામનાં સ્ટેન્ડ નજીક રોડ ઉપર ગામમાં જવા માટે ટર્ન લઈ ઉભેલ હતા તે વખતે તેમના પાછળથી એક ટેન્કર ચાલક તેનું ટેન્કર પુર ઝડપે હંકારી લાવી બાઇકને ટક્કર મારતાં તેઓને સામાન્ય તથા પાછળ બેસેલ રીઝવાનાબાનુને ગંભીર ઇજાઓ પહોંચાડતા બંન્નેવને ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પીટલની એમ્બ્યુલન્સની વાનમાં ભરૂચ સીવીલ હોસ્પીટલમાં લવાતા હાજર તબીબે તપાસ કરી મરણ જાહેર કર્યા હતા.

આ ઘટનામાં ભરૂચ તાલુકા પોલીસ દ્વારા ટેન્કર નંબર GJ 06 AV 6355 ના ચાલકે બાઇક નં. GJ 16 DD 2863 ને ટક્કર મારી મોટર સાયકલ પાછળ બેસેલ રીઝવાનાબાનુને ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી અને ફરિયાદીને પણ સાધારણ ઇજા પહોંચાડી ગુનો કરેલ હોય તેના વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરી આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!