ટી20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પાકિસ્તાન સામેની બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો પાંચ વિકેટે વિજય થયો હતો. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન તરફથી ઓપનર મોહમ્મદ રિઝવાનના 52 બોલમાં 67 રન અને ફખર ઝમાનના 32 બોલમાં 55 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 176 રન કર્યા હતા. મિચેલ સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી જ્યારે પેટ કમિન્સ અને એડમ ઝામ્પાએ એક-એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો.
ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત કંગાળ રહી હતી. શાહિન શાહ આફ્રિદીની પ્રથમ ઓવરમાં ઓસિ. કેપ્ટન એરોન ફિન્ચ એકપણ રન કર્યા વગર એલબીડબલ્યુ આઉટ થયો હતો. ડેવિડ વોર્નરે (49) બીજી વિકેટ માટે મિચેલ માર્શ (28) સાથે 51 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાન પાસે ધારદાર બોલિંગ હોવા છતાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની ધમાકેદાર બેટિંગને લીધે પાકિસ્તાનનો સેમિફાઈનલમાં પરાજય થયો હતો. માર્ક્સ સ્ટોઈનિસે 31 બોલમાં 40 રનની અણનમ ઈનિંગ રમી હતી જ્યારે મેથ્યુ વેડ 17 બોલમાં વિસ્ફોટક 41 રન કરી અણનમ રહ્યો હતો.
છઠ્ઠી વિકેટ માટે વેડ અને સ્ટોઈનિસે 81 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાનના બોલર શાહદાબ ખાને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી તેમજ શાહીન આફ્રિદીએ એક વિકેટ લીધી હતી. વેડ 22 રને હતો ત્યારે તેનો કેચ બાઉન્ડ્રી પર છૂટતા તેને જીવતદાન મળ્યું હતું અને આ કેચ છૂટવાની સાથે પાકિસ્તાનના હાથમાંથી વર્લ્ડ કપ ફાઈનલમાં સ્થાન પણ સરક્યું હતું.
આફ્રિદીની ઓવરમાં છેલ્લા ત્રણ બોલમાં સળંગ ત્રણ છગ્ગા મારીને ઓસ્ટ્રેલિયાએ જીત નિશ્ચિત કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને એક તબક્કે 28 બોલમાં 56 રનની જરૂર હતી પરંતુ વેડ અને સ્ટોઈનિસે ચારેતરફ ફટકાબાજી કરીને ફાઈનલની રાહ આસાન બનાવી હતી. 14 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈમાં ફાઈનલ મુકાબલો રમાશે.