The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 184

એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા જતી મહિલાઓ માટે ચેતવણી રૂપ ઘટના !

આજ કાલ ખાસ કરીને ATM માંથી પૈસા ઉપાડયા બાદ એ વ્યક્તિ સાથે લૂંટના બનાવો અવાર નવાર બનતા જ હોય છે.પરંતુ નર્મદા જિલ્લામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે ને મહિલાઓ માટે લાલ બત્તી સમાન કહી શકાય.નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિસ્તારની એક મહિલા ATM માં પૈસા ઉપાડવા ગઇ તો નજીકમાં ઉભેલા 3 ગઠિયાઓએ નજર ચૂક કરી મહિલાનું ATM કાર્ડ કાઢી બીજું ડમી ATM કાર્ડ મશીનમાં નાખી મહિલાના એકાઉન્ટ માંથી 20,500 રૂપિયા ઉપાડી લીધા હતા.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કિસ્સો એવો છે કે ડેડીયાપાડાના ભૂતબેડા ગામના ખેત મજૂરી કરતા અર્જુન ફુલસિંગ વસાવાની પત્ની કુસુમબેન 21/01/2022 ના રોજ બપોરે આશરે 2:45 વાગ્યાની આસપાસ ડેડીયાપાડા ચાર રસ્તા પાસે SBI ના ATMમાં પોતાનું ATM લઈ પૈસા ઉપાડવા ગયા હતા.દરમિયાન કુસુમબેન ATM મશીનમાં ATM કાર્ડ નાખી 3,000 રૂપિયા ઉપાડી પૈસા ગણતા હતા અને ATM કાર્ડ મશીન માંથી કાઢવાનું ભૂલી ગયા હતા.મહિલાને પૈસા ગણવામાં તલ્લીન જોઈ નજીક રહેલા 3 અજાણ્યા ગઠિયાઓએ નજર ચૂક કરી ATM મશીન માંથી મહિલાનું ATM કાર્ડ કાઢી લઈ એના જેવું જ બીજું ડમી ATM કાર્ડ મશીનમાં નાખી દીધું હતું.મહિલા જ્યારે પૈસા ઉપાડતી હતી એ દરમિયાન ત્રણ ગઠિયાઓએ મહિલાનો ATM પાસવર્ડ પણ જાણી લીધો હોવાથી મહિલાના ATM થી અલગ અલગ જગ્યાએથી 20,500 રૂપિયા ઉપાડી લીધા હતા.હવે જ્યારે અચાનક મહિલાના એકાઉન્ટ માંથી 20,500 રૂપિયા જેટલી રકમ ઉપડી જતા પોતાનું ATM ચોરી થયું હોવાનું મહિલાને ભાન થયું હતું.બાદ મહિલાએ આ મામલે ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બાબતે ડેડીયાપાડાના PSI બી.એમ.પટેલે જણાવ્યું હતું કે આ ગુનાના આરોપીઓ વડોદરા જિલ્લાના કરજણમાં ઝડપાઇ ગયા છે.કરજણ પોલીસના D સ્ટાફના પોલીસ કર્મીઓને એવી બાતમી મળી હતી કે દક્ષિણ ગુજરાતમાં લોકોના ATM ચોરી પૈસા ઉપાડતી એક ગેંગ વિસ્તારમાં સક્રિય છે.કરજણ D સ્ટાફના કર્મીઓએ વોચ ગોઠવી 3 લોકોને ઝડપી પાડી એમની પુછતાછ હાથ ધરી તપાસ કરતા એમની પાસેથી અલગ અલગ બેંકોના 30 જેટલા ATM કાર્ડ મળી આવ્યા હતા.એ 3 આરોપીઓને વડોદરાથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ડેડીયાપાડા લવાશે અને નર્મદા જિલ્લામાં કેટલા ATM ની ચોરીઓ કરી છે એની પુછતાછ પણ હાથ ધરાશે.

  • વિશાલ મિસ્ત્રી, ન્યુઝલાઇન, રાજપીપળા

અંકલેશ્વર : ગડખોલ ઓવરબ્રિજ પાસે એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ૨ ના મોત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના ગડખોલ પાટિયા પાસે આવેલ ફ્લાય ઓવરબ્રિજ ખાતે ગત મોડી રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, એસ.ટી બસ અને કાર વચ્ચે ધડાકાભેર સર્જાયેલ અકસ્માતમાં ૨ વ્યક્તિના મોત તેમજ અન્ય ૪ થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અંકલેશ્વરના ગડખોલ નજીક એસ.ટી બસ નંબર જી.જે ૧૮ ઝેડ ૭૬૩૩ અને કાર નંબર જીજે ૧૯ એ.એ ૫૫૫૪ વચ્ચે અકસ્માતમાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય ફરહાન ઉસ્તાદ નામના યુવાનનું તેમજ તેઓના ઝારખંડથી આવેલા સાથી મિત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું સાથે જ અન્ય ૪ થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, અકસ્માતની ઘટના બાદ અંકલેશ્વર શહેર પોલીસે મામલા અંગેનો ગુનો દાખલ કરી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

હાંસોટ : ગુરૂના પદને શર્મસાર કરનાર શિક્ષકને કોર્ટમાં રજુ કરતા સબજેલમાં ધકેલાયો

હાંસોટ માં કાંટા સાયણ ગામ ખાતે ઈશ્વર ગુમાન પટેલ નામના શિક્ષક ની ઈશ્વર નું નામ ધારણ કરી દાનવ ની પ્રવુતિ ની પોલ 11 વર્ષીય દીકરી ગત રોજ ઉજાગર કરી હતી. દીકરી તુલ્ય શિષ્ય જોડે ગુરુ એ અડપલાં રૂપી કૃત્ય ને લઇ ચારેકોર ફિટકાર વરસી રહી છે. આ વચ્ચે બાળકી ના પિતા ની ફરિયાદ માં અન્ય બાળકી જોડે પણ આવી હરકત શિક્ષકે કરી હોવાની વિગતો સપાટી એ આવતા પોલીસ દ્વારા શાળા ની વધુ ચાર જેટલી બાળકી ના નિવેદન લીધા હતા. જેમાં બાળકી ઓનો વિશ્વાસ સંપાદન કરી પોલીસ દ્વારા પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી બાળકી ઓ ને મોબાઈલ માં અશ્લીલ વીડિયો બતાવી શારીરિક અડપલાં શિક્ષક કરતો હોવાની હકીકત સામે આવી હતી.

પોલીસે બાળકી ના નિવેદન નોંધ્યા હતા તો અને વાલી તેમજ શાળા શિક્ષકો ના પણ નિવેદન નોંધ્યા હતા. ગત રોજ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આરોપીઓને કોર્ટમાં પોલીસ એ રજૂ કરતા ઈશ્વર ગુમાન પટેલ ને સબ જેલ ભેગા કરવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે આરોપી ના મોબાઈલ પણ જપ્ત કર્યો હતો અને સાયન્ટિફિક તપાસ માટે એફ.એસ.એલ માં પણ મોકલી આપવામાં આવ્યો હતો.

યુપીના 11 જિલ્લાઓમાં 58 સીટો પર 623 ઉમેદવારોનો ફેંસલો મતદારોના હાથમાં,મતદાન શરૂ

  • મેદાનમાં પૂર્વ રાજ્યપાલ અને 9 મંત્રી

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે 10 ફેબ્રુઆરીને ગુરુવારે મતદાન કરાશે. પહેલાં તબક્કામાં પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મતદાન થશે. 11 જિલ્લાની 58 સીટો પર ગુરુવારે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે. પહેલાં તબક્કામાં શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ, ગૌતમબુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ, મથુરા અને આગરામાં મતદાન થવાનું છે. 2.27 કરોડ મતદાતાઓ આ તબક્કામાં મતદાન કરશે. આ તબક્કામાં કુલ 623 ઉમેદવારો છે.

સૌથી વધારે મથુરામાં 15 ઉમેદવાર છે. તેમાં 73 મહિલાઓ છે. આ ઉપરાંત 9 મંત્રી પણ રાજકીય દંગલમાં છે. પ્રથમ તબક્કામાં કુલ 2.27 કરોડ વોટર્સ છે. તેમાં પુરૂષ 1.27 કરો અને મહિલાઓ 1 કરોડ છે. 2017ની ચૂંટણીમાં આ 58 સીટોમાંથી ભાજપાએ 53 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે સપા-બસપાએ 2-2 અને રાલોદ માત્ર એક સીટ જીતી શકી હતી. આ વખતે પશ્ચિમ યુપીમાં સપા-રાલોદે ગઠબંધન કર્યુ છે. સપાએ 28 અને રાલોદે 29 સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે. એક સીટ અનૂપશહર NCPને આપી છે. ત્યાં કે કે શર્મા ચૂંટણી મેદાનમાં છે. ભાજપા, કોંગ્રેસ અને બસપા બધી 58 સીટો પર એકલાહાથે ચૂંટણી લડી રહી છે. એવું મનાય છે કે વોટિંગના પ્રથમ તબક્કાના વલણ જ બાકીના વલણ નક્કી કરે છે, એવામાં પશ્ચિમ યુપીની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ છે.ચૂંટણી પંચે મતદાન સંબંધિત તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. વોટિંગ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત રાખવા માટે ચૂંટણી પંચે કેન્દ્રીય સુરક્ષા દળોની 796 કંપનીઓ તહેનાત કરી છે. જ્યારે નોઈડામાં પોલીસની ટીમ ડ્રોન કેમેરાથી બૂથો પર નજર રાખશે.

જે 58 સીટો પર મતદાન થવાનું છે તે છે- કૈરાના, થાના ભવન, શામલી, બુઢાના, ચર્થવાલ, પુરકાજી, મુઝફ્ફરનગર, ખતૌલી, મીરાપુર, સીવાલખાસ, સરધના, હસ્તિનાપુર, કિઠોર, મેરઠ કેન્ટ, મેરઠ દક્ષિણ, છપરૌલી, બડૌત, બાગપત, લોની, મુરાદાનગર, સાહિબાબાદ, ગાઝિયાબાદ, મોદીનગર, ઘૌલાના, હાપુડ, ગઢમુક્તેશ્વર, નોયડા, દાદરી, જેવર, સિકન્દરાબાદ, બુલંદશહર, સ્યાના, અનુપશહર, ડિબોઈ, શિકારપુર, ખુર્જા, ખૈર, બરૌલી, અતરૌલી, છર્રાસ કોલ, અલીગઢ, ઈગ્લાસ, છાતા, માંટ, ગોવર્ધન, મથુરા, બળદેવ, એત્માદપુર, આગરા કેન્ટ, આગરા દક્ષિણ, આગરા ઉત્તર, આગરા ગ્રામીણ, ફતેહપુર સિકરી, ખૈરાગઢ, ફતેહાબાદ અને બાહ.

અંકલેશ્વર શહેરને ડસ્ટબીન મુક્ત બનાવવાની થઈ શરૂઆત

  • ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનોનું પ્રમુખના હસ્તે લોકાર્પણ

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા નું કલેક્શન કરતા વાહનો નું લોકાર્પણ કરાયું હતું. નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ ભાગ રૂપે શહેર ને ડસ્ટબીન મુક્ત બનાવવા ની પહેલ ની પણ શરૂઆત કરી હતી ડોર ટુ ડોર કલેકશન અંગે શહેરીજનો માટે હેલ્પલાઇન નંબર જારી કરાયો હતો.

અંકલેશ્વર નગરપાલિકા માં આવતા નવ વોર્ડમાં જનતાની સુખાકારી અર્થે માળખાકીય સુવિધા પુરી પાડવા માટે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા ના કલેકશન સેવા નો પ્રારંભ કર્યો છે. નગરપાલિકા કચેરી ખાતે દરેક વોર્ડમાં ઘન કચરો અને ભીનો કચરો ઘરે ઘરેથી ઉઘરાવવા માટે ના વાહનો નું નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા ના હસ્તે લોકાર્પણ કરવામાં માં આવ્યું હતું. નગર પાલિકા દ્વારા શહેર ને સ્વચ્છ અને સુંદર તેમજ ડસ્ટબીન મુક્ત શહેર બનાવવા ની એક પહેલ કરવામાં આવી છે સાથે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન અંગે શહેરીજનો માટે એક હેલ્પ લાઈન નંબર જારી કરવામાં આવ્યો છે અને શહેરીજનો ને પણ સ્વચ્છતા બાબતે નગરપાલિકાને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાછળના ગામોમાં વિકાસ કામમાં ભ્રષ્ટાચાર, આપ ના પ્રમુખે ખોલી પોલ

નર્મદા જિલ્લામાં હાલ વિકાસના કામો પુર જોશમાં ચાલી રહ્યા છે.વિકાસના કામો ખરેખર ચાલી તો રહ્યાં છે પરંતુ અમુક વિસ્તારોમા અધિકારીઓની યોગ્ય દેખરેખ ન હોવાથી કામો તકલાદી થઈ રહ્યા છે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.વિકાસના કામોની ગુણવત્તા ચકાસવી એ અધિકારીઓની ફરજમાં આવે છે, અધિકારીઓ પોતાની ફરજ ચૂક કરે છે એના જ પરિણામ સ્વરૂપે વિકાસ તકલાદી થઈ રહ્યો છે.એવા જ એક તકલાદી વિકાસ કામની પોલ ખુદ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહેલે ખોલતા ખળભળાટ મચ્યો છે.

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રોડ, રસ્તા ન હોવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ગ્રામજનોની રજુઆતને પગલે સરકારે રોડ, રસ્તાના કામો મંજુર પણ કરી દીધા છે.એ જ પૈકીના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગરુડેશ્વર તાલુકાના ગુલવાણીથી ચાપડ ગામ વચ્ચે પાકો રસ્તો બનાવવાની લોકોની વર્ષો જૂની માંગને પગલે હાલ ત્યાં ડામર રસ્તો બની રહ્યો છે.એ રસ્તાના કામમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની બાબત નર્મદા જિલ્લા આમ આદમી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહેલને મળતા તેઓ ત્યાં પહોંચ્યા હતા.

તેઓએ ત્યાં જઈ રસ્તાની ગુણવત્તા જાતે ચેક કરી તો માલુમ મળ્યું કે રોડની કામગીરી તકલાદી થઈ છે.ધર્મેન્દ્રસિંહ ગોહેલે જણાવ્યું કે અહીંયા મજબૂત ડામર રોડ બનવો જોઈએ તે બન્યો નથી.રોડ પર માત્ર પગની એડી ઘસવાથી પણ રોડ ઉખડી જાય છે.અને બનાવેલ રોડનું મટીરીયલ પણ હાથમાં આવી જાય છે.એમણે પ્રશ્ન ઉઠાવ્યા હતા કે શું અહીંયાનાં કોન્ટ્રાકટર આવી રીતે પ્રજા તથા સરકારને છેતરવાનું જ કામ કરતા હશે કે પછી અધિકારીઓએ કટકી ખાધી હશે ??? આવા ગરીબ આદિવાસીઓનાં ગામમાં બનતા રોડનું આયુષ્ય કેટલા સમયનું.નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર શુ ઘ્યાન રાખે છે ??સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાછળના ગામોમાં આવા તકલાદી કામો જ થતાં હશે???

અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે સરકારની આ જિલ્લા પર વિશેષ નજર રહે છે.આ જિલ્લામાં દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોવાથી જિલ્લાની સ્થિતિ અન્ય જિલ્લાઓ કરતા સારી રાખવી એ સરકારની પ્રાથમિકતા છે પરંતુ સાથે સાથે જિલ્લામાં થતા વિકાસના કામોની સારી ગુણવત્તા રાખવી એની પર બાઝ નજર રાખવી એ પણ સરકારની અને સરકારના અધિકારીઓની જવાબદારી તો છે જ.ત્યારે ગરુડેશ્વર તાલુકાના ગુલવાણીથી ચાપડ ગામ વચ્ચે બનેલા પાકા રસ્તાની હલકી ગુણવત્તા એ અધિકારીઓ આંખ આડા કાન કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોવાની ચાડી જરૂર ખાય છે.

  • વિશાલ મિસ્ત્રી,ન્યુઝલાઇન,રાજપીપળા

સ્ટેચ્યુ ઓફ યુનિટી સાચા ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમુનો છે –જર્મન રાજદૂત

  • જર્મની ગણરાજયનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી અર્પી

જર્મનીનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે આજે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી આપતા  મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાચા ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમુનો છે, મે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ જોયુ છે પણ સરદાર સાહેબની આટલી વિશાળ પ્રતિમા જોઇને હુ મંત્રમુગ્ધ થયો છું. બીજી વાર પણ જરૂર આવીશ અને જર્મનીના સાંસદોને પણ સાથે લાવીશ.તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતાનગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાનિય આદિવાસી સમાજને પણ સીધી રોજગારી મળી છે. જે ભારતના પ્રધાનમંત્રીશ્રીના પ્રયત્નોને કારણે શકય બન્યુ છે.

જર્મની ગણરાજયનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો.

તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે આગમન થતા ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જે બાદ તેમણે પ્રસન્નતા વ્યકત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક વિભાગ દ્વારા ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર નિલેશ દુબેએ શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

દેડીયાપાડાના ગારદામાં નલ સે જલ યોજના અંતર્ગત શુદ્ધ પાણીની લાઈન શોભાના ગાંઠિયા સમાન

  • એક વર્ષ થી બનાવેલા નળ માં એક ટીપું પણ પાણી આવ્યું નથી, પાઇપલાઇન જમીન માં દાટવાની જગ્યા એ પાથરવામાં આવી !! ગ્રામજનો મા ભારે રોષ;

નર્મદા જીલ્લા માં સરકારી યોજનાઓ માં ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, સરકારી યોજનાઓ માત્ર રૂપિયા નો બગાડ કરી બાબુઓની તિજોરી ભરવાનું માધ્યમ બની હોવાનું લોકમુખે ભારે ચર્ચાસ્પદ બન્યું છે.

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. દરેક ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચે તે માટે ‘નલ સે જલ યોજના’ અંતર્ગત જિલ્લામાં દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના છેવાડાનાં ગામ ગારદા માં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી યોજના ને એક વર્ષ ઉપર થયા હોવા છતાં ગ્રામજનો ને એક ટીપું પણ પાણી નસીબ થયું નથી !!

સરકારી યોજના નાં તમામ કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, અને તમામ પાઇપ લાઇન જમીનની નીચે દાટવા ની હોય  પણ ઉપર જ દાટીને વેઠ ઉતારવામાં આવી છે, આ લાઈન પર વાહનો જતા તૂટી જાય તેમ છે, અને નળ માં તો હજુ સુધી પાણી જ આવ્યું નથી ! તે પહેલાં નળો તૂટી જવા પામ્યા છે. આ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા મુલાકાત લઈ ને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે પાણી ગ્રામજનો ને મળે તેવી ગ્રામજનો ની માંગ ઉઠી રહી છે. શું આ મામલે તંત્ર ગંભીરતા દાખવી સમસ્યા નુ નિરાકરણ કરી ગ્રામજનો ને પીવાનું પાણી પૂરું પાડવા કમર ક્સસે ખરું તે તો આવનારો સમયજ બતાવશે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચના ધારાસભ્ય સહિત ગુજરાતના 25 MP અને MLA દેવભૂમિ ઉત્તરાખંડમાં હિમવર્ષા વચ્ચે બિલકુલ સુરક્ષિત

  • ભરૂચના દુષ્યંત પટેલને જે અલ્મોરા વિધાનસભા મત વિસ્તારની પ્રચારની કમાન સોપાઈ છે ત્યાં 11 મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભા સાબોધશે

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર પડઘમ જોરશોરમાં ચાલી રહ્યાં છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં પણ ચૂંટણીને લઈ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ગુજરાતના 25 સાંસદ અને MLA ને પ્રચારની જવાબદારી સોપાઈ છે. ગુજરાત વિધાનસભાના ઉપદંડક અને ભરૂચ MLA દુષ્યંત પટેલ રાજ્યના અન્ય 25 ધારાસભ્ય અને સાંસદ સાથે 6 ફેબ્રુઆરીથી ઉત્તરાખંડના પ્રવાસે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યાં છે.

ભરૂચ MLA દુષ્યંત પટેલને અલ્મોરા, જાગેશ્વર અને સોલ્ટ એમ ત્રણ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારની કામગીરી સોપાઈ છે. અલ્મોરા ઉત્તરાખંડમાં ખૂબ જ ઉંચાઈએ આવેલું હિલી સ્ટેશન છે. બુધવારે સવારે તેઓ બિનસરથી જાગેશ્વર પ્રચાર માટે જઇ રહ્યાં હતાં. જોકે ખરાબ વાતાવરણમાં પ્રારંભે વરસાદ બાદ હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. ઉંચાઈ ઉપર હિલી પહાડોમાં હિમવર્ષા અને ઠેર ઠેર બરફના જામેલા થર વચ્ચે આગળ વધવાનું પ્રતિકૂળ મોસમમાં કઠિન બન્યું હતું. જેથી ભરૂચના ધારાસભ્ય એ ફેસબુક ઉપર પોતાનો વિડીયો બનાવી અપલોડ કર્યો હતો. જેમાં હાલના વેધરની માહિતી આપી તેમણે કહ્યું હતું કે, બરફવર્ષા અને પ્રતિકૂળ મોસમ તેમજ વિસ્તારમાં પણ ભાજપના ગુજરાતના ધારાસભ્યો ચૂંટણી પ્રચાર અને પોતાની કામગીરી બજાવી રહ્યાં છે.

જોકે તેઓએ આ વીડિયો અપલોડ કર્યા બાદ ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં વાયુ વેગે ન્યૂઝ અને પોસ્ટ વાયરલ થવા લાગી હતી. ઉત્તરાખંડમાં પ્રચાર અર્થે ગયેલા ભાજપના 25 ધારાસભ્યો અને સાંસદ હિમવર્ષામાં ફસાયા. ભરૂચના ધારાસભ્યને આ અંગે જાણ થતાં તેઓએ ફરી પોતાની હોટલ ઉપર આવી વધુ એક વિડીયો ફેસબુક ઉપર મુક્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, હું અને સાથી તમામ ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો બિલકુલ સુરક્ષિત છે અને કોઈ ફસાયું નથી.

 

તેઓએ અગાઉનો વિડીયો માત્ર ઉત્તરાખંડમાં થઈ રહેલી હિમવર્ષાનો ખ્યાલ આપવા અને ભાજપ આવી સ્થિતિમાં પ્રચાર પ્રસાર કરી રહી હોવા અંગે લોકોને વાકેફ કરવા મુક્યો હતો. તેમની સાથે તમેના પી.એ. રાકેશ પટેલ અને અન્ય સ્ટાફ પણ બિલકુલ સેફ હોવાનું કહ્યું હતું. ગુજરાતના અન્ય ધારાસભ્યો અને સાંસદ ઉત્તરાખંડની બીજી વિધાનસભાઓમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. ગત 6 ફેબ્રુઆરીથી ગુજરાતના MP અને MLA દેવભૂમિમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. જેઓ 12 મી એ પરત ગુજરાત ફરશે.

નિવૃત્ત IASએ મનોજ અગ્રવાલ IPS અધિકારીને નોકરી માંથી સસ્પેન્ડ કરવા મુખ્ય મંત્રીને લખ્યો પત્ર

  • ઉમરપાડા નાં અગ્રણી IAS Retd.જગતસિંહ વસાવા દ્વારા લખાયો મુખ્યમંત્રી ને પત્ર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને માંગરોળ ઉમરપાડા ના અગ્રણી એવા ASI Retd.જગતસિંહ વસાવા દ્વારા  IPS અધિકારી મનોજ અગ્રવાલ જેઓ રાજકોટ મ્યુ.કોર્પોરેશનનો હાલ Commissioner of Police નો હોદો ધારણ કરે છે. તેની સામે બી.જે.પી.નાજ ધારાસભ્ય ગોવિંદ પટેલે રૂ/-૭૫ લાખ લોકો પાસેથી વસુલવાનો ગંભીર આક્ષેપ કરેલ છે. જે ભ્રષ્ટાચાર નો એક નમુનો છે.

ભાજપ સરકાર હું ખાતો નથી અને ખાવા દેતો નથી એવા નરેન્દ્ર મોદીના સુત્ર સાથે સત્તા પર આવેલ છે, તો આવા ભ્રષ્ટાચારી અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઇએ જે આજે ૬ દિવસ થવા છતાં નોકરી માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ નથી જે ગંભીર બાબત છે. જેને લઇને ASI Retd.જગતસિંહ વસાવા દ્વારા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા માંગણી કરવામાં આવી હતી.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા
error: Content is protected !!