The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 16

66મી નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ભરૂચ અને વડોદરાના 3 શૂટર્સનો ડંકો

નવી દિલ્હી ખાતે હાલ ચાલી રહેલી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ રાઇફલ ઇવેન્ટ્સ કોમ્પિટિશનમાં 5 ટીમ કેટેગરીમાં ભરૂચ અને વડોદરાના 3 શૂટર્સે 2 ગોલ્ડ અને 3 સિલ્વર મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

નવી દિલ્હી ખાતે 15 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે. જેમાં ગુજરાતમાંથી ભરૂચ અને વડોદરા રાઇફલ શૂટિંગ એસોસિએશનમાંથી શૂટર્સ ધનવીર રાઠોડ, નિખિલ તનવાન અને દીપેન સુથારે ટીમ ઇવેન્ટ્સની 5 કેટેગરીમાં બે ગોલ્ડ અને 3 સિલ્વર અંકે  કર્યા છે.

50 મીટરની રાઇફલ શૂટિંગમાં જુનિયર મેન નેશનલ અને સિવિલ ચેમ્પિયનશિપ  ટીમમાં બે ગોલ્ડ હાંસલ કર્યા છે. જ્યારે  50 મીટર રાઇફલ પ્રોન નેશનલ, સિવિલિયનની 3 ટીમ કેટેગરીમાં 3 સિલ્વર મેડલ મેળવ્યા છે.

ભરૂચના શૂટર ધનવીર રાઠોડને કોચ મિતલ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લા રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરૂણસિંહ રણા અને સેક્રેટરી અજય પંચાલે પણ શૂટર્સને જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

હાંસોટમાં માછીમારી કરવા માટે ગયેલ દાદી અને પૌત્રનું વીજળી પડવાથી મોત

હાંસોટ નવીનગરી અંભેટા રોડ પર પર રહેતા આદિવાસી ગરીબ પરિવાર ના  55 વર્ષીય ભૂરી બેન ઠાકોર રાઠોડ  માછીમારી નો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય આજે સવારે આલિયાબેટ ખાતે માછીમારી કરવા માટે એમનાં પુત્રના પુત્ર 14 વર્ષીય આકાશ કુમાર રાઠોડ સાથે  ચાલતાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક વીજળી પડતાં બંનેનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં.

બીજા લોકો માછીમારી કરીને આવી રહેલા હોય તેમણે આ બંને ને મૃત્યુ પામેલી હાલતમાં જોતાં ખાનગી વાહન ની મદદ થી બંને ના મૃતદેહ ને લાવતાં મૃતકના પરિવારજનો માં શોક ની લાગણી સાથે હૈયા ફાટ રૂદન નાં દ્રશ્યો સર્જાયા હતા.

હાંસોટ પોલીસ ને ઘટના ની જાણ થતાં મૃતકના પરિવારજનોને મળી બનાવ આલિયાબેa બન્યો હોઈ જે દહેજ તાલુકામાં હોવા છતાં માનવતાની દ્રષ્ટિ એ મૃતકનો પોલીસ રિપોર્ટ બનાવવાના હોય તે તરત બનાવી પોસ્ટમોર્ટમ ની વિધિ તરત કરાવી પરિવાર જનોને મૃતદેહો સોપી દીધેલ હતાં આમ હાંસોટ પોલીસે મૃતક નાં પરિવારજનોને આકસ્મિક મોત અંગે સરકાર માંથી મળતી સહાય મળે તે અંગેની કાર્યવાહી કરવામાં માનવતા દાખવી હતી.

દહેજ GIDCમાંથી શંકાસ્પદ કેમીકલનો ૧૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો

ભરૂચ એસ.ઓ.જી. ટીમને બાતમી મળેલ કે દહેજ જી.આઈ.ડી.સી.મા આવેલ પ્લોટ નંબર ડી-૨/સી.એચ ૮૨, ગુમાનદેવ કેમિકલ પ્રા.લી. કંપનીમાં આવેલ પતરાના શેડ નીચે શંકાસ્પદ કેમીકલ ભરેલ બેરલો રાખી ગેરકાયદેસર રીતે ખરીદ- વેચાણ કરે છે.

જે બાતમી આધારે પોલીસ ટીમે ચેક કરતા તેમને અલગ અલગ પ્રકારના કેમીકલ ભરેલ બેરલ નંગ ૪૨૭ જે એક બેરેલમા ૨૦૦ લીટર લેખે કુલ ૮૫,૪૦૦ લીટર મળી આવેલ જે કેમીકલનુ ખરીદ બીલ કે આધાર પુરાવા અંગેના પુરાવા બાબતે પુછતા સંતોષકારક જવાબ નહીં આપતા આ તમામ મુદ્દામાલ કબ્જે કરવા સાથે એફ.એફ.એલ. અધિકારીને બોલાવી જરૂરી સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા. પોલીસે GBCP અધિકારીને પણ આ અંગે જાણ કરવા સાથે આ કેમીકલ કયા પ્રકારનુ છે અને કયાંથી લાવેલ છે અને કયાં મોકલવાનું હતું વિગેરે તપાસ હાથ ધરી એફ.એફ.એલ. સેમ્પલ રીપોર્ટ આવેથી આગળની વધુ તપાસ કરવામાં આવશે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની ત્રીજી પુણ્યતિથિએ યોજાઈ પ્રાર્થના સભા

ભરૂચ જિલ્લા ના પનોતા પુત્ર સ્વર્ગીય અહેમદભાઈ પટેલ જિલ્લા ના વિકાસ અને છેવાડા ના માનવી સુધી સેવા ની સુવાસ ફેલાવી છે. તેમની ત્રીજી પુણ્યતિથિ નિમિતે તેના માદરે વતન પીરામણ ગામના કબ્રસ્તાન ખાતે તેમની કબર ઉપર પુષ્પાંજલિ અર્પી દુવા ગુજારાઇ હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના પનોતા પુત્ર મર્હુમ અહેમદભાઈ પટેલની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેઓના વતન પીરામણ ગામ ખાતે એક પ્રાર્થના સભા યોજાઈ હતી,જેમાં દિવંગતની યાદોને વાગોળી તેમની શાંતી અર્થે પ્રાર્થના કરાઇ હતી. દિવંગત એહમદ પટેલના સેવા કાર્યો અને સ્મરણોને યાદ કરી ઉપસ્થીત સૌ કોઇ ભાવુક થઈ ઉઠ્યા હતા.

આ પ્રાર્થના સભામાં કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદ, અર્જુન મોઢવાડીયા,તૃષાર ચૌધરી, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આગેવાનોએ મર્હુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવી તેઓની કબર ઉપર ફૂલ ની ચાદર અર્પણ કરી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલ, પ્રવક્તા નાઝુભાઇ ફડવાલા, સહિત કોંગ્રેસના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીવ ગયો પણ હ્રદય ધબક્તું રહ્યું…ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમવાર હ્રદય સહિત 5 જેટલા અંગોનું અંગદાન

ભરૂચ જીલ્લામાં સૌપ્રથમવાર હ્રદય સહિત 5 જેટલા અંગોનું અંગદાન કરવામાં આવ્યું.જેમાં વાલિયા તાલુકાના મોતીપરા ગામનો 33 વર્ષીય આશાસ્પદ યુવાન યોગેશ રમણભાઈ વસાવા કે જે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તે ગત તા. 20 નવેમ્બર 2023ના રોજ અંકલેશ્વરના ગોપાલનગર-ગાર્ડન સિટી નજીક સવારે બાઇક સવારને અડફેટે લેતા જે અકસ્માત સર્જાયો હતો. જે બાદ યોગેશ વસાવા પોતાને માર પડવાની બીકે અકસ્માત સ્થળેથી ભાગવા જતાં નજીકમાં આવેલી શિવદર્શન સોસાયટીની દીવાલ કૂદી ભાગવા જતો હતો ત્યારે તે આશરે 20 ફૂટ ઊંડામાં ખાડામાં પડ્યો હતો.

ઊંડા  ખાડામાં પડતા યોગેશ વસાવાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં  તેની હાલત નાજુક હોય તેને ICU વિભાગમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ યોગેશ વસાવાને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.ત્યારે ગુજરાતમાં અંગદાન મામલે સતત સક્રિય રહેતી તબીબી ટીમ સાથે સંકળાયેલ સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા બ્રેઇન ડેડ યોગેશ વસાવાના પરિજનોને અંગદાન અંગે માહિતી આપી હતી કે, બ્રેઇન ડેડ જાહેર થયા બાદ શક્ય તેટલા જલદી અંગદાન થઈ જાય તે સારું રહે છે.

જેમાં વ્યક્તિ આંતરિક અને બાહ્ય અંગોનું દાન કરી શકે છે, ત્યારે બ્રેઇન ડેડ યુવક યોગેશ વસાવાના પિતા રમણભાઈ વસાવા સહિતના પરિવારે મૃત્યુ બાદ પણ પોતાનો લાડકવાયાનાં અંગદાન થકી અન્યોને નવજીવન મળશે તેવા શુભ આશયથી પુત્રના અંગદાન અંગે સંમતી દર્શાવી હતી. જેમાં બ્રેઇન ડેડ યુવક યોગેશ વસાવાનું હ્રદય સહિત 5 જેટલા અંગોનું અંગદાન કરવામાં આવ્યું હતું. જયાબેન મોદી હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબો દ્વારા બ્રેઇન ડેડ યુવકની કિડની, ફેંફસા, હ્રદય અને લીવરનું દાન મેળવી ચુસ્ત પોલીસ કોરિડોર, બંદોબસ્ત વચ્ચે એમ્બ્યુલન્સ મારફતે સુરત અને ત્યાંથી બાય એર એમ્બ્યુલન્સ વડે અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા હતા.

અંગદાન એજ મહાદાનના સૂત્રને સાર્થક કરતાં પરિવારના નિર્ણયથી યોગેશ વસાવાના મૃત્યુ પછી પણ તેમના અંગો જરૂરિયાતમંદોને નવજીવન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અંગદાન ક્ષેત્રે સતત સાતત્યપૂર્ણ પ્રયત્ન અને પ્રવૃતિના કારણે લોકોમાં જાગૃતિ આવી રહી છે. તેવામાં બ્રેઇન ડેડ યુવક યોગેશ વસાવાના પરિવાર દ્વારા લેવામાં આવેલ સારા નિર્ણય બદલ લોકોએ પરિવારના કાર્યની સરાહના કરી હતી.

ભરૂચમાં ઝાડેશ્વર રોડ પર ઓરિઓન આર્કેડમાં ૬ દુકાનોના તાળાં તુટ્યા

ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ નજીક ઓરિઓન આર્કેડની ૬ દુકાનોના સવારે ૭ કલાકની આસપાસ તાળા તોડી ગલ્લામાં રહેલા પરચુરણની ચોરી કરતો તસ્કર CCTV માં કેદ થવા પામ્યો છે.

ભરૂચમાં દિવાળી બાદ વિવિધ વિસ્તારની દુકાનો, ઓફિસો અને ઘરના તાળા તૂટવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.ઝાડેશ્વર રોડ પર તુલસીધામ નજીક ઓરિઓન આર્કેડના દુકાન-ઓફિસધારકો આવતા એક બાદ એક તૂટેલા તાળા જોઈ ચોંકી ઉઠ્યા હતા. કોમ્પ્લેક્ષમાં ગોલ્ડલોન ફાયનાન્સની શાખા પણ આવેલી છે પણ કોઈ સિક્યોરીટી ગાર્ડ નથી. દુકાનદારોએ લગાવેલા CCTV ચેક કરાતા એક યુવાન સ્પોર્ટ્સ સૂઝ, સ્કૂલ બેગ, ટોપી વાળી ટી-શર્ટ અને મોઢા પર માસ્ક વાળા રૂમાલ સાથે મળી આવ્યો હતો. જેણે સવારના ૭ વાગ્યાની આસપાસ એક બાદ એક દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ બેગમાં રહેલા સળિયા વડે કર્યો હતો. જે દુકાનનું તાળું તૂટ્યું તેમાં ઘુસી ગલ્લા તોડી અંદર રહેલા પરચુરણની ચોરી કરી લીધી હતી.

કેટલીક દુકાનો તાળા નહિ તોડી શકતા તે બચી ગઈ હતી. આ એખલા આવેલા તસ્કરે દવે કલાસીસ, શ્રી લેડીઝ કલેક્શન, ધનશ્રી કલેક્શન, દર્શન ફૂટવેર, ક્રિશી કલેક્શન, એસ.આર.કલેક્શનના તાળા તોડી ગલ્લામાં રહેલા ૮ થી ૧૦ હજાર જેટલા પરચુરણની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ઇમિગ્રેશનની એક ઓફીસ સહિત અન્ય દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કર ગલ્લામાં રહેલા રોકડા સિવાય અન્ય કોઈ ચીજવસ્તુની ચોરી કરી ગયો ન હતો. દુકાનદાર વેપારીઓએ ચોરીની જાણ સી ડિવિઝન પોલીસને કરતા પી.આઈ. હસમુખ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવા સાથે આ યુવાન ચોરની સીસીટીવીના ફૂટેજ્ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ LCBએ શંકાસ્પદ આઇફોન,વિદેશી ચલણ સાથે ૧ ઈસમની કરી ધરપકડ

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમ્યાન મુંબઈથી જંબુસર તરફ જઈ રહેલા એક ઈસમને રોકી તેની બેગની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ આઇફોન મોબાઈલ તેમજ આઈપેડ અને મેકબુક એર મળી આવ્યા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે મહંમદ સલીમ હસન પટેલની પૂછપરછ કરતા તેણે પોતાની પાસે રહેલા માલ સામાન અંગે યોગ્ય જવાબો આપ્યા ન હતા તેમજ તેની પાસે રહેલ વિદેશી ચલણ બાબતે પણ કોઈ યોગ્ય ખુલાસો આપ્યો ન હતો. જેથી બાદ ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે જંબુસરના દેવલા ગામ ખાતેના વતની મહંમદ સલીમ હસન પટેલની ધરપકડ કરી તેની પાસેથી કુલ મુદ્દામાલ રૂ. 9,78,750 નો કબ્જે લઈ તેની સામે વિવિધ કલઓ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શુકલતીર્થના ઐતિહાસિક ભાથીગળ મેળાનો થયો પ્રારંભ

પાવનસલિલા મા નર્મદાના તટે આવેલાં શુકલતીર્થ ગામમાં કારતકી પૂર્ણિમાના મેળાનો ગુરૂવારે કારતકી અગિયારસના દિનથી પ્રારંભ થયો હતો. મેળાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ શુકલેશ્વર મહાદેવની આરાધના કરી હતી.

શુકલતીર્થ ગામમાં આવેલાં પૌરાણિક શુકલેશ્વર મહાદેવ મંદિર તથા ઓમકારેશ્વર વિષ્ણુ મંદિર ખાતે કારતકી પૂનમનો મેળો યોજાય છે. ગુરૂવારે કારતક સુદ અગિયારસના દિવસથી ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે ઓમકારેશ્વર વિષ્ણુભગવાનના મંદિરે પુંજન,અર્ચન દર્શનબાદ આગેવાનો સાથે રીબીન કાપીને મેળાનો પ્રારંભ કરાયો હતો.

પાંચ દિવસ સુધી ચાલનારા મેળામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવીને મહાદેવના દર્શન તેમજ નર્મદા સ્નાનનો લાભ લેતાં હોય છે.શુકલતીર્થ ગામમાં મેળામાં 500 કરતાં વધારે સ્ટોલ્સ ઉભા કરાયાં છે તેમજ મનોરંજન માટે ચકડોળ સહિતના સાધનોની સુવિધા ઉભી કરવામાં આવી છે. આજે ગુરૂવારે મેળાના પ્રથમ દિવસથી ભકતોનો અવિરત પ્રવાહ શરૂ થઇ ગયો હતો અને લોકોએ શુકલેશ્વર મહાદેવ તથા ભગવાન વિષ્ણુના દર્શનની સાથે નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. તંત્ર દ્વારા મેળાને અનુલક્ષી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે.શુકલતીર્થ ગામે આવેલ પૌરાણિક શુકલેશ્વર મહાદેવના મંદિરે કારતકી અગિયારસે ભકતોએ શુકલેશ્વર મહાદેવનો અભિષેક કર્યો હતો.

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીના રીએક્ટરમાં બ્લાસ્ટથી 1નું મોત,3ને ગેસની અસર

દહેજ 2 માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું મોત થયું છે. જ્યારે 3 કામદારોને રીએક્શનથી ગેસ વછુટતા થયેલી ગૂંગળામણની અસર સાથે સારવાર હેઠળ ખસેડાયા છે.

દહેજ 2 માં વર્ષ 2017 માં પ્રજ્ઞા ગ્રુપની પ્રજ્ઞા ફાર્મા કંપની MD મહેશ પટેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પેસ્ટીસાઈડ્સ, ઇન્ટરમીડિયેટ્સ અને સ્પેશાલિટી કેમિકલ્સ બનાવતી કંપનીમાં બુધવારે સાંજે પ્રોડક્શન ચાલી રહ્યું હતું.કંપનીમાં 80 જેટલા કર્મચારીઓ ફરજ ઉપર હતા. પ્લાન્ટ એકમાં રીએક્ટર નંબર 305 ઉપર ઓપરેટર વિજય કુશવાહ ફરજ બજાવી રહ્યાં હતાં.

રીએક્ટરમાં સોલ્વન્ટ સાથે અન્ય કેમિકલ્સની પ્રોસેસ વેળા અચાનક પ્રેશર વધી જતાં જોરદાર ધડાકા સાથે રીએક્ટર ફાટયું હતું. ઘટનામાં ઓપટેટરનું સ્થળ પર જ ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું.ધડાકાને લઈ ઘટનાગ્રસ્ત પ્લાન્ટ એક અને અન્ય પ્લાન્ટમાં રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. રીએક્ટર ફાટયા બાદ સોલાવન્ટ સાથે અન્ય કેમિકલ્સના રીએક્શનથી છૂટેલા ધુમાડા અને ગેસના કારણે અન્ય 3 કામદારોને ગૂંગળામણની અસર વર્તાય હતી.

બ્લાસ્ટનો કોલ મળતા ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સ સાથે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. ગેસની અસર હેઠળ રહેલા 3 કામદારોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ DISH ના આસિસ્ટન્ટ ડિરેક્ટર જે.જે. પટેલ, આશુતોષ મરૈયા અને તેમની ટીમ પોહચી જઈ તપાસ હાથ ધરી હતી. ઘટનામાં એક વ્યક્તિના મોત અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવા સાથે કંપની સામે આગળની કાર્યવાહીની તજવીજ આરંભાઈ છે.

ભરૂચના ઝાડેશ્વરના વૃધ્ધાને ખાટલા સાથે બાંધી લૂંટ ચલાવનાર બે ઝડપાયા

ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા વૃધ્ધાને ખાટલા સાથે બાંધી મોઢા અને આંખ ઉપર કપડું બાંધી 45 હજારથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવનાર બંને લૂંટારુઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા

ગત તારીખ-21મી નવેમ્બરના રોજ રાતે ભરુચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા રમીલાબેન પટેલ ઘરમાં એકલા હતા તે દરમિયાન બે અજાણ્યા લુંટારૂએ ઘરમાં પાછળનાં ભાગે બાકોરૂ પાડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને વૃધ્ધાને ખાટલા સાથે બાંધી દીધા હતા. વૃધ્ધા બૂમબરાડા નહીં પડે તે માટે લૂંટારુઓએ મહિલાના મોઢા અને આંખ ઉપર કપડું બાંધી તેણીને માર મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા લૂંટને પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સી ડીવીઝન પોલીસ મથકની સંયુક્ત ટીમોએ ઘટના સ્થળની આજુબાજુ તેમજ સીસીટીવી ફૂરેજના આધારે લૂંટારુઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસ ટીમોએ ભરૂચના ભોલાવ રોડ ઉપર બ્રીજ નીચે બૌડા સર્કલ પાસેથી લુંટની ઘટનામાં ઉપયોગ કરેલ મોટર સાઇકલ સાથે બંને લુંટારૂઓને ઝડપી પાડ્યા હતા પોલીસે તે બંનેની પૂછપરછ કરતાં બંને ઇસમો ભાંગી પાડ્યા હતા અને થોડા દિવસો પહેલા ઝાડેશ્વર ગામના રમીલાબેન પટેલના નવા બનતા મકાનમાં ઉમેશ બચુ મેડા મજુરી અર્થે જતો હતો જેથી વૃધ્ધા એકલી રહેતી હોવાથી લૂંટ કરવાનું નક્કી કર્યું હતું અને આ અંગે પોતાના સગા ભાઇ અજય મેડાને આવતા કરતાં બંને લૂંટારુઓએ લુંટની ઘટનાને અંજામ આપવા માટે ત્રણ દિવસ શક્તિનાથ નજીક એક સોસાયટીમાંથી ભાઇઓએ બાઇકની ચોરી કરી હતી.

જે બાદ રાત્રીના ભરૂચના શાલીમાર નજીક કપડાની દુકાનમાંથી રોકડા રૂપિયા અને રેડિમેડ કપડાની ચોરી કરી હતી ત્યાર બાદ ઝાડેશ્વર ગામે એકલા રહેતા વૃધ્ધાના મકાનની રેકી કરેલ અને ગઈ કાલે લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી હતી પોલીસે મૂળ દાહોદ અને હાલ શક્તિનાથ રેલ્વે ગરનાળા પાસે પાણીની ટાંકી નજીક ઝુપડામાં રહેતો ઉમેશ બચુભાઈ મેડા અને અજય બચુભાઈ મેડાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બંને ભાઈઓ નવા બનતા કન્સ્ટ્રક્શન સાઈટ અને નવા બનતા મકનમાં એક-બે દિવસ માટે મજુરી કામ કરી ઘર તેમજ આસપાસના વિસ્તારની રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની ટેવ ધરાવે છે.પોલીસે લૂંટમાં ગયેલ તમામ વસ્તુઓ અને રોકડ રકમ તેમજ બાઇક મળી કુલ 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

error: Content is protected !!