The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 12

કેવડિયાથી દહેજ આવતી બીટગાર્ડ યુવતીનું ડમ્પરના ટાયર ફરી વળતા મોત

ભરૂચ જિલ્લાના દહેજ ગામની વતની કવિતા કાંતિલાલ ગોહિલ( ઉવ-32 ) કેવડિયામાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી.આજ રોજ તેણી પિતા સાથે મોપેડ લઈને કેવડિયાથી પોતાના વતન દહેજ આવી રહી હતી. ત્યારે તેને શું ખબર હશે કે તેની આ સફર આખરી સફર બની રહેશે.પરિવારને મળવાની ખુશીમાં મોપેડ પર કવિતા અને પિતા ઝઘડીયા તાલુકા નાના સાંજા ફાટક નજીક વળાંક લઈ રહ્યા હતાં ત્યારે પાછળ પુર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે તેને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.  અકસ્માતમાં બંને લોકો માર્ગ પર પટકાયા હતાં.

 

જેમાંપાછળ બેઠેલી કવિતા ડમ્પરના આગળની બાજુએ પડતા ડમ્પરના તોતિંગ ટાયર તેના પર ફરી વળતા તેણીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જ્યારે તેના પિતાનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો.અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈને ભાગી ગયો હતો.

બનાવની જાણ થતાં ઝઘડિયા વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.કવિતાના મોતના પગલે પરિવારજનોમાં માતામ છવાઈ ગયો હતો.પુત્રીના ઘરે આવવાની ખુશી આક્રંદમાં ફેરવાઈ જતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે,બીટગાર્ડ કવિતા ગોહિલના લાઈવ અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.જેમાં પાછળ આવી રહેલા એક ફોરવ્હીલ ચાલકની કારના સીસીટીવી કેમેરામાં આ અકસ્માત કેદ થઈ ગયો હતો.હાલમાં પોલીસે આ સીસીટીવી ફુટેજના આધારે ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

કોંગ્રેસનો પંજો 53 વર્ષમાં પેહલી વાર EVM માથી જ ભૂંસાયો

ભરૂચ લોકસભાની બેઠક પરથી 53 વર્ષમાં પેહલી વખત કોંગ્રેસનું નામોનિશાન જોવા નહીં મળે. ભાજપનો ગઢ બની ગયેલી ભરૂચની બેઠકની આ ચૂંટણીમાં EVM મશીનમાં પંજાના નિશાન ઉપર ઝાડું ફરી વળ્યું છે.

ભરૂચ લોકસભા બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ હતી. જોકે 1989 બાદથી મરહુમ અહેમદ પટેલની હાર થયા બાદ આ બેઠક પર ભાજપનું એક ચક્રી સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું હતું. 35 વર્ષથી ભાજપ આ બેઠક જીતતી આવી છે.

ઇન્ડિયા ગઠબંધનમાં આ વખતે કોંગ્રેસ અને આપનો ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરાતા 53 વર્ષમાં પેહલીવાર ભરૂચ લોકસભા બેઠકના 16 લાખથી વધુ મતદારોને EVM મશીનમાં પંજાનું નિશાન શોધ્યું ય નહિ જડે. કોંગ્રેસના હાથના સ્થાને આ વખતે EVM માં ઝાડું જોવા મળશે.

કોંગ્રેસ દ્વારા અગાઉની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ પર ઇલક્ટ્રોનિક વોટિંગ મશીનના સહારે વિજયનો દોષ ઠલવાતો હતો ત્યારે આજે એવી સ્થિતિ આવી ગઈ છે કે ચૂંટણીમાં EVM મશીનમાં કોંગ્રેસનું નિશાન જ ભૂંસાઈ ગયું છે.

આટલું ઓછું હોય તેમ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પણ વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખ, મરહુમ અહેમદ પટેલના સંતાનોના ટેકેદારો અને ઇન્ડિ ગઠબંધનના ઉમેદવાર આપના ચૈતર વસાવાના સમર્થકોને લઈ ભાગલા જોવા મળતા પક્ષ પણ વેરવિખેર જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વરમાં યુવતીના ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં બેની ગુપ્તાંગ કાપી કરાઇ હત્યા

રાજ્યમાં ગુનાખોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રેમ સંબંધને લઈ વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના સારંગપુર ગામે પ્રેમી પંખીડાને નર્વસ્ત્ર કરી નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યા કરી હત્યારો ફરાર થયો હતો. જોકે બાદમાં તેને અફસોસ થતાં હત્યારો જાતે જ પોલીસ મથકે હાજર થયો હતો.

અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં એક યુવતી પોતાના પ્રેમી સાથે ઘરમાં હતી. દરમિયાન તેનો બીજો પ્રેમી આવી ચઢયો હતો.જે પ્રેમીએ વહેલી સવારે જ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે લાંબા સમય બાદ દરવાજો ન ખોલતા ગિન્નાયેલ પ્રેમીએ ઘરમાં ઘુસતા જ પ્રેમીકા અને તેના બીજા પ્રેમીને કઢંગી હાલતમાં જોતા તેના ગુસ્સાનો પાર ન રહેતા તેણે ગુપ્તાંગના ભાગે તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી અને બંન્નેવના ગુપ્તાંગ કાપી તેમની હત્યા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવતીને ૨ અલગ અલગ પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. ગુપ્તાંગ કાપી તેમની હત્યા કરી પ્રેમી પોતાના ગામ પહોંચી ગયો હતો. જોકે પાછળથી તેને અફસોસ થતા પોતે જ પોલીસ મથકે હાજર થઈ તેણે કરેલ હત્યાની કબુલાત કરતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

પોતાના જ ગઢમાં અસ્તિત્વની લડાઈ… પીકચર અભી બાકી હૈ મેરે દોસ્ત :ફૈઝલ પટેલ

એક સમયે જેમના ઈશારે દેશમાં ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થતી હતી તેવા કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું પરિવાર ટિકિટ માટે સંઘર્ષ કરતો નજરે પડી રહ્યો છે. અહેમદ પટેલના નિધન બાદથી ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરનાર મુમતાઝ પટેલ અને અંકલેશ્વરમાં “હું તો લડીશ” ના બેનર લગાવનાર ફૈઝલ પટેલ બંનેનું ચૂંટણી લડવાનું સ્વપ્ન રોળાયું છે. બંનેનું પત્તુ કાપી “આપ”ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટિકિટ હાંસલ કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસની  છાવણીમાં સોપો પડી ગયો છે.

ભરૂચ બેઠક માટે કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પરિવારથી પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલે દાવેદારી કરી હતી તો INDIA ગઠબંધન તરફે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટિકિટ માંગી હતી. આપે અગાઉની ચૂંટણીના મતના આંકડા રજૂ કરી મજબૂત દાવેદાતી સાથે ગઠબંધન થાય કે ન થાય ચૈતરની ઉમેદવારી જાહેર કરી દીધી હતી. આખરે કોંગ્રેસ ઝૂકી હતી અને આપણા નિર્ણયને સમર્થન આપતા અહેમદ પટેલ સાથેની સંવેદનાઓ સહિતની ટિકિટ મેળવવા માટેની દલીલો અભરાઈએ ચઢાવી દેવાઈ હતી.

તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ફાળે ભરૂચ બેઠક જતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. મુમતાઝે સ્પષ્ટતા કરીકે તેઓ કોંગ્રેસના સૈનિક તરીકે આમ આદમી પાર્ટી માટે વોટ માંગશે નહીં તો ફૈઝલે કહ્યું કે તે નિર્ણયના વિરોધમાં છે અને આ બાબતે આજે શનિવારે સાંજે દિલ્લી જઈ મોવડીઓ સમક્ષ કોંગ્રેસની ઉમેદવારી માટે રજુઆત કરશે.

વિવિધ પડતર પ્રશ્ને ભરૂચ આંગણવાડી વર્કરોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ વિધાન પત્રમાં જણાવવાનું સર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદવેતનમાં વધારો કરી આપવામાં આવે વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ ચારના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે આ ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનત કાર્યકરો હોય તો તેમના કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવામાં આવી આ સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આંગણવાડી બહેનો દ્વારા નવ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે.

16 તારીખે ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધને જિલ્લાના ખેડૂતોને સમર્થ આપવા કોગ્રેસ આગેવાન સંદીપ માંગરોલાએ કરી અપીલ

ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માગરોલા એ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી ગુજરાત ના તમામ ખેડૂતો ને અપીલ કરી જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતો દ્વારા ખેડુતોની વિવિધ પડતર માંગો ને લઇ ને કિસાન આંદોલન શરૂ કરવામાં આવેલ છે અને આવતીકાલે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ભારત બંધ નું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવેલ છે.

આ કિસાન આંદોલન ગુજરાતના ખેડૂતોના પણ હિતમાં છે.ગુજરાત ના ખેડૂતોના પણ અનેક પડતર પ્રશ્નો છે.જેમકે જમીન સંપાદન નું અયોગ્ય અને અપૂરતું વરતળ, નર્મદા|ના માનવસર્જીત પુર માં નુકશાની અંગે અપૂરતું વળતર, કરજણ ,તાપી રિવર લિંક પ્રોજેક્ટ અટકેલો છે. પ્રદૂષણ ના કારણે ખેતી પાકો નષ્ટ થતા કોઈ મદદ નહિ અને એને અટકાવવા કોઈ આયોજન નથી.અપૂરતી વીજળી, સિંચાઇના પાણી થી વંચિત આ જિલ્લો છે. જેથી ગુજરાતમાં અને ભરૂચ નર્મદા જિલ્લાના પણ તમામ ખેડૂતઓ ભારત બંધનાં એલાનને સમર્થન જાહેર કરી એક દિવસ ખેતીના કામ થી દૂર રહી ખેડુત આંદોલન ને સમર્થ આપવા અપીલ કરી હતી.

તેમણે વધુ માં જણાવ્યુ હતુ કે  જિલ્લાના ખેડૂતો એક દિવસ માટે પોતાના કામ થી અળગા રહી આંદોલન કરતા ખેડૂતો ના મનોબળ વધારવા અપીલ કરી હતી.

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 45 દિવસ બાદ જેલમુકત

ભરૂચ AAP ના ઉમેદવાર દેડિયાપાડાના ધારાસભ્ય 45 દિવસ બાદ જેલમુકત થતા સ્વંયભૂ લોકસમર્થન અને શક્તિપ્રદર્શન વચ્ચે જેલ બહાર તેઓને લોકોએ દેખો દેખો કોન આયા આદિવાસી શેર આયા ના નારા સાથે બેરીકેટને પણ તોડી વધાવી લીધા હતા.

વન કર્મીઓ પર હુમલાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દરમિયાન તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી નામંજુર થયા બાદ દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.તેઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 18 ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબજેલમાં મોકલી અપાયા હતા. દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવંત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના AAP ના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

આજે ગુરુવારે તેઓની પત્નીના જામીનની સુનાવણી છે. દરમિયાન સવારે તેઓ રાજપીપળા જેલમાંથી 45 દિવસ બાદ બહાર આવ્યા હતા. જેલમાં તેઓને લેવા બીજા પત્ની વર્ષાબેન અને બાળકો સાથે હતા. સાથે જ વકીલ ગોપાલ ઇટાલિયા અને આપના પ્રવક્તા પણ જોડાયા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ બહાર આવવા સાથે જ જનમેદની તેમને વધાવવા તૈયાર હતી. દેખો દેખો કોન આયા આદિવાસી શેર આયા અને ચૈતર વસવાના જય જય કાર સાથે સમર્થક જનતાએ તેમને વધાવી લીધા હતા.લોકોએ બેરીકેટ તોડીને પણ ચૈતર વસાવાને મળી હાર તોરા પહેરાવી ખભે ઊંચકી જાણે સરઘસ કાઢ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. તો ચૈતર વસવાના સમર્થકોએ ભાજપ સરકારનો પણ હુરિયો બોલાવ્યો હતો.

ભરૂચના એક રામભક્ત દ્વારા પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષા સ્તોત્રમ

ભરૂચના એક રામભક્ત નરેન્દ્ર કે સોનાર દ્વારા પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષા સ્તોત્રમના કુલ ૩૮ શ્લોકને સંસ્કૃત ભાષામાં આલેખન કર્યું  છે અને એ આપણી જૂની મેનુસ્ક્રિપ્ટની પદ્ધતિને અનુરૂપ અભિવ્યક્ત કરે છે. આ પોસ્ટકાર્ડને તેઓએ ભગવાન શ્રી રામને સંબોધીને લખ્યા છે જે અયોધ્યા નગરીના પિનકોડ સાથે પોસ્ટ કરવામાં આવ્યા છે. આ પોસ્ટકાર્ડમાં મોકલનારમાં સમસ્ત ભરૂચના રામભક્તગણનો ઉલ્લેખ કરી આખા ભરૂચ વતી ભગવાન શ્રી રામને પત્ર રામ રક્ષા સ્તોત્રમના સ્વરૂપમાં પત્ર લખી એ પ્રાર્થના કરી છે કે ભગવાન રામ આ સ્તોત્રમાં વર્ણવેલ રામ રક્ષા સ્તોત્રમના ગૂઢાર્થ પ્રમાણે સમસ્ત ભારતવર્ષની રક્ષા કરે અને ફરીથી રામરાજ્યનો અનુભવ આખું ભારતવર્ષ કરે.

રામ રક્ષા સ્તોત્રમના પ્રથમ જ શ્લોકમાં જ જણાવવામાં આવ્યું છે કે “ ભગવાન રઘુનાથજીનું જીવનચરિત્ર સો કરોડ જેટલા અર્થમાં અભિવ્યક્ત કરવામાં આવ્યું છે. એના દરેકે દરેક ઉચ્ચારણ મનુષ્યોના પાપોનો નાશ કરે છે.સમસ્ત ભરૂચના રામભકતો વતી ભગવાન શ્રી રામને પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્ર લખી ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી છે કે સમસ્ત ભારતવર્ષ અને વિશ્વમાં સમભાવ પ્રસરે, નાગરિકો દેશની ઉન્નતિમાં પોતાનું વધુને વધુ યોગદાન આપી ભારતવર્ષને આધ્યાત્મિક સમૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિ અને વૈશ્વિક સમૃદ્ધિ તરફ લઈ જવામાં સતત મહેનત કરે.

લોકમાનસમાં ઘૂંસપેઠ કરી ચૂકેલી કાવાદાવાવાળી મંથરાવૃત્તિ દૂર થાય અને પરસ્પર મતભેદ દૂર થાય , ભાઈચારો કેળવાય, સૌ કોઈમાં દરેક જીવ પ્રત્યે કરુણાભાવ જન્મે અને સૌનું જીવન સરળ અને સૌમ્યતા તરફ ગતિ કરે. કોણે શું કર્યું અને કોણ શું કરી ગયું એના નિરર્થક દ્વંદમાં ન પડી વર્તમાનને શાંતિપૂર્વક માણીએ અને ભવિષ્યને ઉજ્જવળ બનાવામાં આપણી શક્તિને કામે લગાડીએ એવી પ્રાર્થના કરવામાં આવી છે. રામ રક્ષા સ્તોત્રમના લેખન થકી એ પણ પ્રાર્થના કરવામાં આવી છે કે ભગવાન રામ આપણાં ભારતવર્ષનું આસપાસની બદીઓથી, કુબુદ્ધિથી, કૂટનીતિથી, દ્વેષભાવથી, અરાજકતાથી રક્ષણ કરે.

ભરૂચના મારવાડી ટેકરા વિસ્તાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

ભરૂચ લોકલ ક્રાઇમબ્રાંચના પી.એસ.આઈ. પી.એમ.વાળા સહિત સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરના રોટરી ક્લબની પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે નવાબ ઉર્ફે નબુ અને તેનો ભાઇ હનીફ ઉર્ફે હજી ઇમરાનશા દિવાન વિદેશી દારૂ પોતાના ઘર પાસે છુપાવી રાખેલ છે અને છુપી રીતે પોતાના મળતીયાઓ દ્વારા વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસ ટીમને સ્થળ પરથી ફોરવ્હીલ ગાડી નંબર-GJ-16-DG-9719 તેમજ નમ્બર પ્લેટ વિનાની જ્યુપીટર મોપેડ અને બુટલેગર નવાબ ઉર્ફે નબુના મકાનની બાજુની રૂમમાંથી વિદેશી દારૂ 1211 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.76 લાખ અને બે વાહનો સહિત કુલ 7.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને કસક ગુરુદ્વારા પાસે વણકરવાસમાં રહેતો વિશાલ ઉર્ફે હોઠ ફાટલો ઠાકોરભાઇ પરમાર તેમજ સરફરાજ ઉર્ફે શેરૂ સમદભાઇ મંસુરીને ઝડપી પાડ્યો હતો.જ્યારે નવાબ ઉર્ફે નબુ ઇમરાનશા દિવાન,હનીફ ઉર્ફે હજી ઇમરાનશા દિવાન અને દર્શન ઉર્ફે હારુ પ્રવીણભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘાણીખુટ કરજણ નદીના પુલ ઉપર પડી ભયજનક તિરાડ

નેત્રંગ તાલુકાના સીમાડા પર વહેતી કરજણ નદીનો પુલ આશરે 60 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે.1994 માં કરજણ નદીમાં આવેલ ઘોડાપૂરમાં પુલને ભારે નુક્સાન થયું હતું .પુલના બન્ને બાજુના છેડા તૂટી ગયા હતા તેના સ્પાન અને સ્લેબને પણ અસર થઈ હતી ત્યારબાદ 6 મહિના આ પુલ બંધ રહ્યો હતો રીપેરીંગ કર્યા પછી ફરીથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.

પરંતુ કરજણ નદીના પુલની આવરદા પૂરી થઈ ગઈ હોવા છતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેની ઉપેક્ષા કરવામાં આવે છે.1994 બાદ આ પુલ ઉપર અવાર નવાર બે સ્પાન વચ્ચે તિરાડ પડવી , ગાબડા પડવા અને સંરક્ષણ રેલીંગ તુટી ગયેલ હોય તેમ છતાં તેનું રીપેરીંગ પણ કરવામાં આવતું નથી.આ બધી ગંભીર સમસ્યાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે અને નિર્દોષ વાહન ચાલકો ઈજાગ્રસ્ત થઈ મોતને ભેટી રહ્યાં છે.

નેત્રંગ ડેડિયાપાડાનો નેશનલ હાઇવે ઓથોરીટીએ બે મહિના પહેલા જ રીપેર કર્યો છે ત્યારે ઘાણીખુટ કરજણ નદીના પુલ ઉપર પણ એક પડ ચોપડવામાં આવ્યું હતું.જેને બે મહિના જ થયા ત્યાં ફરી પુલ ઉપર સાંધામાં તિરાડો પડીને મસમોટું ગાબડું પડી ગયું છે . પુલની સંરક્ષણ દિવાલ અને રેલીંગ તૂટી પડેલ છે.જેને લઈ રાત્રીના સમયે કોઈ વાહન ચાલક સામેથી વાહનની હેડલાઇટથી આંખ અંજાય જાય ત્યારે સીધો 60 ફૂટ નીચે નદીમાં ખાબકે તેવી પરિસ્થિતિ સર્જાય છે.

આ મુખ્ય બે રાજ્યને જોડતો નેશનલ હાઈવે છે અને આ ઘાણીખુટ કરજણ નદીના પુલની આવરદા હવે ઘણી ઘટી ગઈ છે જર્જરીત થઈ ગયો છે ત્યારે તેની ઉપેક્ષાનો ભોગ નિર્દોષ બનશે તેનો ભોગ લેવાશે એટલી બેદરકાર આ સરકારી નેશનલ હાઈવે માર્ગ અને મકાન વિભાગની કચેરી છે. ઘણા વર્ષોથી લોકો અને વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે ઘાણીખુટ કરજણ નદીના નવા પુલની પરંતુ વહીવટી તંત્ર કે સરકાર ધ્યાને લેતી નથી.

error: Content is protected !!