ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરી પ્રજાજનોને નવી ભેટ અર્પણ કરી છે. જેને સમાંતર કાર્યક્રમ અન્વયે ભરૂચ જિલ્લાના હાંસોટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્ય કક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી (સ્વતંત્ર હવાલો) ઈશ્વરસિંહ પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે ડિજિટલ માધ્યમથી ભરૂચ જિલ્લામાં હાંસોટ ખાતે રૂ. ૪.૫૬ કરોડના ખર્ચે નવનિર્મિત રેફરલ હોસ્પિટલ અને અંદાજિત રૂ. ૯.૮૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ તકે, કાર્યક્રમમાં ઉદ્બોધન આપતાં જળસંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે ૪ તાલુકા પંચાયત ભવન, ૩૦૦ જેટલી આંગણવાડીઓ અને ૨૨૦ ગ્રામ પંચાયતના નવા મકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

મંત્રીએ વિસ્તારના સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે વિગતો આપતાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાં પીવાના પાણીની કાયમી સમસ્યાના ઉકેલ અર્થે અંદાજિત રૂ. ૧૭૦૦ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ૫૯૯ MCM પાણીનો સંગ્રહ થશે. આ યોજનાથી હાંસોટ, અંકલેશ્વર, ઓલપાડ, વાગરા, જંબુસર અને આમોદ તાલુકાઓ તેમજ અંકલેશ્વર અને પાનોલી GIDC ને પીવાનું અને વપરાશનું પાણી સતત મળતું રહેશે. આ ઉપરાંત, ૬-લેન રસ્તાના નિર્માણથી ભરૂચ અને હજીરા વચ્ચેનું અંતર ઘટતાં ઔદ્યોગિક કનેક્ટિવિટી વધુ સુલભ બનશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, નર્મદા અને કીમ નદી પર રૂ. ૩૦૦ કરોડના ખર્ચે વિયર-કમ-કોઝવે બનાવી પાણીનો સંગ્રહ કરાશે, જેનાથી આસપાસના ખેડૂતોની જમીનની ખારાશમાં સુધારો થશે. તેમજ ૬૦-૭૦ વર્ષ જૂની ઉકાઈ કેનાલનું રૂ. ૯૦૦ કરોડના ખર્ચે આધુનિકીકરણ હાથ ધરાશે, જેની ક્ષમતા ૩,૦૦૦ ક્યુસેકથી વધારીને ૪,૨૦૦ ક્યુસેક કરવામાં આવશે. આગામી ૧૫ નવેમ્બરથી ત્રણ મહિના માટે કેનાલ બંધ રાખી કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે, જેથી કેનાલના છેવાડાના (ટેલ-એન્ડ) ખેડૂતો સુધી પૂરતું પાણી પહોંચાડી શકાય.

હાંસોટ ખાતે નવા CHC, કુડાદરા PHC, ૪ સબ-સેન્ટર અને ૨૩ આયુષ્માન આરોગ્ય મંદિરોના લોકાર્પણ તથા વિવિધ વિસ્તારોમાં ડાયાલિસીસ સેન્ટરો શરૂ થવાથી સ્થાનિક દર્દીઓને ઘરઆંગણે જ અત્યાધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે.

કાર્યક્રમના અંતે મંત્રીએ જમીન અને માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓનો વપરાશ ઘટાડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા ખાસ અનુરોધ કર્યો હતો.

સૌ ઉપસ્થિતોએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ, કારોબારી અધ્યક્ષ પ્રવીણભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને સ્થાનિક આગેવા, જિલ્લા અગ્રણી પરેશ લાડ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here