ધાર્મિક ગ્રંથો અને પૌરાણિક કથાઓ અનુસાર, રાવણ દહન એ અસત્ય પર સત્યના વિજયના પર્વ એટલે કે વિજયાદશમી (દશેરા) ના દિવસે કરવામાં આવે છે.મહાકાવ્ય રામાયણ અનુસાર, લંકાનો રાજા રાવણ કે જેને દશાનન પણ કહેવાય છે કારણ કે તેને દસ માથાં હતાં. એ માતા સીતાનું અપહરણ કર્યું હતું. શ્રીરામે વાનર સેનાની મદદથી લંકા પર ચડાઈ કરી અને આસો વદ દશમીના દિવસે રાવણનો વધ કર્યો. રાવણ એ મહાન વિદ્વાન, શિવજીનો પરમ ભક્ત અને શક્તિશાળી રાજા હતો, પરંતુ તેનામાં અહંકાર અને અન્યાય હતા. તેના આ અહંકારના અંતના પ્રતીક રૂપે દશેરાએ રાવણનું પૂતળું બાળવામાં આવે છે અને અન્ય ધાર્મિક માન્યતાઓ મુજબ, વિજયાદશમીએ રામલીલા પછી રાવણ, તેના ભાઈ કુંભકર્ણ અને પુત્ર મેઘનાદના મોટા પૂતળાં બનાવીને તેનું દહન કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. આ દિવસે લોકો પોતાના અંદરના અહંકાર, ક્રોધ અને ખરાબ ગુણોને પણ છોડવાનો સંકલ્પ કરે છે.
ભરૂચમાં BNS ગ્રુપ દ્વારા પહેલીવાર રાવણ દહન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ભાજપના આગેવાનો નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી અને હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા BNS ગ્રુપના વૃષભપટેલ સહિતના કાર્યકરોએ ખૂબ મહેનત કરી હતી. ભરૂચમાં પહેલીવાર યોજાયેલા આ રાવણ દહન કાર્યક્રમથી શહેરીજનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. આ કાર્યક્રમ વિજયાદશમીના પર્વે પરંપરા અને સત્યના વિજયનો સંદેશ આપે છે.





