ભરૂચ જિલ્લામાં રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી સિકલીગર ગેંગના સભ્યને ઝડપી પાડવામાં ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. ભરૂચ શહેરના નર્મદા બંગ્લોઝ અને દુબઈ ટેકરી વિસ્તાર ઉપરાંત અંકલેશ્વર તથા નબીપુર પંથકમાં થયેલી ચોરીઓના ભેદ ઉકેલાયા છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી હોન્ડા સાઇન મોટરસાઇકલ સહિત કુલ રૂ. 90 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગત તા. 13 ઓક્ટોબર, 2026ની રાત્રે ભરૂચ શહેરના નર્મદા બંગ્લોઝ સોસાયટી અને દુબઈ ટેકરીના ભાથીજી મંદિર ફળિયામાં આવેલા મકાનોમાં ચોરીની ઘટનાઓ બની હતી. આ ગુનાઓનો ભેદ ઉકેલવા ‘સી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીએ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ પાસાઓના વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી.
તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલા શખસો ભરૂચ છોડીને અલગ-અલગ સ્થળોએ જતા રહ્યા હોવાની વિગતો સામે આવી હતી. જેના આધારે ભરૂચ એલસીબીએ અમદાવાદ ખાતેથી સતનામ ચંદાસિંગ ધનુસિંગ સિકલીગર (ઉં.વ. 24)ને ઝડપી પાડ્યો હતો, જ્યારે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે વડોદરા ખાતેથી સંજય ઉર્ફે સંજુ શૈલેષભાઈ વસાવા (ઉં.વ. 19, રહે. કસક નવીનગરી, ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ભરૂચ શહેર ઉપરાંત નબીપુર અને અંકલેશ્વર વિસ્તારમાં થયેલી અન્ય ચોરીઓ અંગે પણ વિગતો બહાર આવી હતી. પોલીસ સમક્ષ આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ અન્ય સાગરીત લખનસિંગ લાલસિંગ બાવરી સાથે મળીને ભરૂચના નર્મદા બંગ્લોઝ અને દુબઈ ટેકરી વિસ્તારમાં મોટરસાઇકલનો ઉપયોગ કરી ચોરીઓ કરી હતી. આશરે અઢી મહિના પહેલાં નબીપુરના શાહપુરા ગામમાં એક મકાનને નિશાન બનાવ્યું હતું. જ્યારે આશરે પંદર દિવસ પહેલાં વડોદરાના રાજેન્દ્રસિંગ નામના શખસ સાથે મળીને અંકલેશ્વરમાં ડી-માર્ટ નજીક આવેલી સોસાયટીના બંધ મકાનમાં ચોરી કરી હોવાનું પણ જણાવ્યું હતું.
આરોપીઓની પૂછપરછ અને તપાસના આધારે પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સંજય ઉર્ફે સંજુ વસાવાની માલિકીની હોન્ડા સાઇન મોટરસાઇકલ નંબર GJ-16-EK-1406, જેની કિંમત રૂ. 70 હજાર છે, તેમજ રૂ. 20 હજારની કિંમતના બે મોબાઇલ ફોન કબજે કર્યા છે. આમ, કુલ રૂ. 90 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ ગુનામાં સંડોવાયેલો હોવાનું જણાવાયેલો લખનસિંગ લાલસિંગ બાવરી (રહે. કસક ઝૂંપડપટ્ટી, ભરૂચ) હાલ વોન્ટેડ છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.





