ભરૂચમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પદયાત્રા અને ધરણાના કાર્યક્રમને અંતિમ સમયે મંજૂરી ન મળતાં રાજકીય માહોલ ગરમાયો હતો.
લોકશાહી, યુવાધનના પ્રશ્નો અને રાહુલ ગાંધીના સમર્થનમાં યોજાનારા કાર્યક્રમને લઈને કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઘર્ષણના દૃશ્યો સર્જાતાં પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી. જોકે, પોલીસ તેમને એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગઈ હોવા છતાં કોંગ્રેસનો વિરોધ યથાવત રહ્યો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાંચબત્તીથી ગાંધી પ્રતિમા સુધી શાંતિપૂર્ણ રેલી કાઢીને ધરણાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે અગાઉથી મંજૂરી માગવામાં આવી હોવા છતાં અંતિમ સમયે પરવાનગી રદ કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના આગેવાનોએ સવાલ ઉઠાવ્યો હતો કે ભાજપના કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવે છે, જ્યારે કોંગ્રેસના કાર્યક્રમોમાં અવરોધો ઊભા કરવામાં આવે છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આક્ષેપ કર્યો હતો કે યુવા કાર્યકરો સાથે શાંતિપૂર્ણ રીતે રેલી યોજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે પોલીસે અયોગ્ય વર્તન કર્યું હતું. તેમણે પોલીસ તંત્ર ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ કરીને કાર્યવાહી સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. કાર્યક્રમને મંજૂરી ન મળવા અને પોલીસના વર્તનને લઈને કોંગ્રેસના આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરીને તેમને એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગઈ હતી. જોકે, પોલીસની આ કાર્યવાહી સામે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી હતી અને પોલીસ મથકે પણ વિરોધ ચાલુ રાખ્યો હતો.આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. રેલીની મંજૂરીના મુદ્દે શરૂ થયેલો વિવાદ પોલીસ કાર્યવાહી બાદ વધુ વકર્યો હતો.





