ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કચેરી સંકુલ પરિસરની સફાઈ, ઓફિસની સાફસફાઈ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ઈ.ચા. નાયબ માહિતી નિયામક સી.એફ.વસાવા સહિત કચેરીના સમગ્ર સ્ટાફ પરિવારે ઉત્સાહ ભેર ભાગ લઈ શ્રમદાન કર્યું હતું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચેરી પરિસર તેમજ ઓફિસની યોગ્ય સફાઈ કરીને સ્વચ્છ અને સુઘડ વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
પરિસર સફાઈ બાદ કચેરીના અગ્ર ભાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં કરી સિંદૂર, સિતાફળ, જમરૂખ, આંબો જેવા પર્યાવરણ ઉપયોગી અને છાંયડો આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યા હતું. માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વાવવામાં આવેલા તમામ રોપાઓનો યોગ્ય ઉછેર થાય અને તે ઘટાદાર વૃક્ષ બને તેવા સંકલ્પ સાથે તેના ઉછેરની સંભાળ લેવાનો દ્રઢ સંકલ્પ પણ જિલ્લા માહિતી કચેરીના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો.
આ તકે ઈ.ચા.નાયબ માહિતી નિયામકે જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને પર્યાવરણ જતન એ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ આપણી દૈનિક દિનચર્યાનો ભાગ બનવો જોઈએ. વૃક્ષો વાવવાની સાથે તેનો ઉછેર કરવાનો સંકલ્પ જ ખરા અર્થમાં પર્યાવરણનું રક્ષણ કરશે.”ભરૂચ કચેરીના સ્ટાફના શ્રમદાન અને પર્યાવરણ પ્રત્યેના આ સંકલ્પથી સમગ્ર પરિસરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થયો હતો.





