વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવાથી રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે વડનગરથી વારાણસી સુધી નીકળેલી સેવા સંકલ્પ યાત્રાનું અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગમાં કળશ પૂજન અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું.

અંકલેશ્વર ખાતે સેવા સંકલ્પ યાત્રાને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પોતે બાઈક ચલાવી બાઈક યાત્રીઓ સાથે વાલિયા તરફ પ્રસ્થાન કર્યું હતું. વંદે માતરમ, ભારત માતા કી જયના નારા અને દેશભક્તિના ગીતો સાથે અંકલેશ્વર ભાજપ અને જિલ્લા સંગઠનના બાઈકર્સ ઉત્સાહભેર જોડાયા હતા.

યાત્રા વાલિયા તાલુકામાં પ્રવેશતા જ ધારાસભ્ય રીતેશ વસાવા પોતે બાઈક લઈને યાત્રામાં જોડાયા હતા. વાલિયા તાલુકા તેમની ટીમ અને મહાનુભવોએ મહારાણા પ્રતાપ અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વાલિયામાં ફટાકડા ફોડીને યાત્રાનું સ્વાગત કરાયું હતું. સેવા એ જ સમર્પણ પહેલ હેઠળ રૂપનગર જવાહર નવોદય વિદ્યાલયના 540 વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું હતું.

સેવા સંકલ્પ યાત્રા નેત્રંગ પહોંચી હતી, જ્યાં પણ તાલુકા પ્રમુખ તેમની ટીમ, આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનોએ પુષ્પવર્ષા કરી યાત્રાને વધાવી લીધી હતી. નેત્રંગ ખાતે પણ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. નેત્રંગથી આ યાત્રા ભરૂચ જિલ્લાની સરહદ પૂર્ણ કરી નર્મદા જિલ્લામાં પ્રવેશી હતી.

આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિત ભાજપના અગ્રણીઓ, કાર્યકરો અને બાઈકર્સ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here