ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા ગામે આવેલી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની મિલકતોની હરાજી સામે ભારે વિરોધ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. NCDC દ્વારા સરફેસી એક્ટ (SARFAESI Act) હેઠળ મંડળીની 46.03 હેક્ટર જમીન, પ્લાન્ટ અને મશીનરી સહિતની મિલકતોની આગામી 18 નવેમ્બરના રોજ યોજાનારી ઈ-હરાજી તાત્કાલિક અસરથી રોકવાની માંગ સાથે સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મંડળીની મિલકતોની હરાજી માટે અનામત કિંમત ₹186.48 કરોડ નક્કી કરવામાં આવી છે. ખેડૂત હિત રક્ષક સમિતિએ આ સમગ્ર પ્રક્રિયાની કાયદેસરતા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વર્ષોથી આ સહકારી મંડળી સાથે જોડાયેલા હજારો ખેડૂત શેરધારકોને આ હરાજી અંગે પૂરતી જાણ કરવામાં આવી છે કે નહીં, તેમજ તેમને પોતાની રજૂઆત કરવાની યોગ્ય તક મળી છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કરાયા છે.
આવેદનપત્રમાં મંડળીની કિંમતી જમીન અને મશીનરીનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવ્યું તથા અનામત કિંમત નક્કી કરવાની સમગ્ર પ્રક્રિયા કેટલી યોગ્ય છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. સમિતિએ કલેક્ટર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે હરાજી સંબંધિત તમામ દસ્તાવેજો અને ફાઈલો મંગાવીને તેની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે.
ખેડૂતો અને શેરધારકોના કાયદેસરના આર્થિક હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય ત્યાં સુધી 18 નવેમ્બરના રોજ યોજાનારી ઈ-હરાજીની તમામ કાર્યવાહી સ્થગિત રાખવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય અને સમિતિના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડીને એકતરફી કાર્યવાહી કરવામાં આવશે તો આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન તેજ કરવામાં આવશે.





