ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુરા ગામમાંથી પસાર થતી પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈનના જમીન વળતરમાં ભેદભાવ અને અન્યાય આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અનિશ્ચિત મુદતના ધરણા પર બેઠેલા ખેડૂતોની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી. ધરણા પ્રદર્શન માટે પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું કારણ દર્શાવીને પોલીસે સ્થળ પર પહોંચી તમામ આંદોલનકારી ખેડૂતોને ડિટેઈન કર્યા હતા.

અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક જ પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન અને નુકસાનીના વળતરની પ્રક્રિયામાં આસપાસના ગામો વચ્ચે ભારે વિસંગતતા રાખવામાં આવી છે. ગત 16 તારીખે યોજાયેલી એમ.આર.સી. (MRC) બેઠકમાં નક્કી થયેલા દરો મુજબ માંગરોળ ગામના ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર ₹3,300 ચૂકવવાનું નક્કી કરાયું છે, જ્યારે તેની સામે મહાપુરા અને ઈંગરલા ગામના ખેડૂતો માટે પ્રતિ ચોરસ મીટર માત્ર ₹1,100 થી ₹1,200 સુધીનો દયાહીન દર નક્કી કરવામાં આવ્યો છે.
ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માંગરોળ ગામની સરખામણીએ મહાપુરા ગામની સરકારી જંત્રી રૂ. 100 વધુ હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા વળતરના દર અત્યંત નીચા રાખવામાં આવ્યા છે. હાઈટેન્શન વીજ લાઈન પસાર થવાથી ખેતીની જમીન નકામી બને છે અને પાકને પણ ભારે નુકસાન થાય છે. આવી સ્થિતિમાં વળતરના દરમાં કરવામાં આવેલી આ અસમાનતા ખેડૂતોના આર્થિક હિતો પર સીધો પ્રહાર સમાન છે.
આ મામલે ખેડૂતોએ અગાઉ પ્રાંત અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વર્તમાન એમ.આર.સી. પરિપત્ર રદ કરવા તેમજ જમીનની ફળદ્રુપતા મુજબ પ્રતિ ચોરસ મીટર ₹2,000 થી ₹2,500 સુધીનું વળતર આપવા માંગ કરી હતી. કોઈ ઉકેલ ન આવતાં ખેડૂતોએ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું હતું. અટકાયત બાદ પણ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું હતું કે તમામ ગામોના ખેડૂતોને એકસમાન ન્યાય અને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ તંત્રના અન્યાયી નિર્ણય સામે લડત ચાલુ રાખશે.





