દિવાળીના તહેવાર નિમિત્તે ભરૂચ જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા ત્રણ પાકા કામના કેદીઓને પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાની તક મળી છે. રાજ્ય સરકારની જોગવાઈ અંતર્ગત ત્રણેય કેદીઓને 15 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ અનુસાર ધનતેરસના દિવસે એટલે કે 6 નવેમ્બરના રોજ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા કેદીઓના કલ્યાણ અને સામાજિક પુનઃસ્થાપનના હેતુથી વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત નિયમો અને શરતોને આધીન મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરુષ કેદીઓને 15 દિવસની પેરોલ રજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયના ભાગરૂપે ભરૂચ જિલ્લા જેલના ત્રણ કેદીઓને પણ પેરોલનો લાભ મળ્યો છે.
ત્રણેય કેદીઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા તે પ્રસંગે જેલના ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડે તેમને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ પેરોલ દરમિયાન નિયત નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી.લાંબા સમયથી પરિવારજનોથી દૂર જેલમાં રહેતા કેદીઓને દિવાળી જેવા તહેવાર પર પરિવાર સાથે સમય વિતાવવાની તક મળતાં તેમનામાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ તક આપવા બદલ ત્રણેય કેદીઓએ રાજ્ય સરકાર અને જેલ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.





