દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. બોમ્બે હાઈકોર્ટના સત્તાવાર ઈમેલ પર આવેલા એક ધમકીભર્યા સંદેશમાં બોમ્બે હાઈકોર્ટ ઉપરાંત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE), વરલી (મહાલક્ષ્મી) રેસકોર્સ અને બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત પ્રખ્યાત બંગલા ‘જલસા’ને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી આપવામાં આવી છે.
ઘટનાની ગંભીરતા જોતા મુંબઈ પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. તમામ સંવેદનશીલ સ્થળો પર સઘન તપાસ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ તમામ સ્થળોએથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યું નથી, જેના કારણે આ ધમકી એક અફવા (Hoax) હોવાનું મનાઈ રહ્યું છે.

સાયબર ક્રાઈમ ટીમ ઈમેલ મોકલનાર વ્યક્તિનું IP એડ્રેસ ટ્રેક કરવા અને આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ને નિશાન બનાવવાની આ છેલ્લા થોડા અઠવાડિયામાં આ બીજી ઘટના છે. અગાઉ ઑક્ટોબર મહિનામાં પણ મુંબઈના મેયર અને અન્ય અધિકારીઓને મળેલા એક ઈમેલમાં જલસા બંગલા અને કલાકારોની સુરક્ષાને લઈને ધમકીઓ આપવામાં આવી હતી, ત્યારબાદ અમિતાભ બચ્ચનની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેઓ રવિવારના દર્શન વખતે પણ બુલેટપ્રૂફ કવર પાછળ જોવા મળ્યા હતા.





