
ઝાડેશ્વરના કોઠી ફળિયામાં વિધર્મી પ્રેમીએ આતંક મચાવી પ્રેમિકાની બીજા નંબરની બહેનને ગળું દબાવી હત્યાનો પ્રયાસ કરતા માતાએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. માતાની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ઝાડેશ્વર કોઠી ફળિયામાં વિધવા મહિલા તેમની ત્રણ દીકરીઓ સાથે રહે છે. મોટી દીકરી ફળિયામાં જ બે વર્ષથી ભાડે રહેતા સદામ હુસેન અંસારી સાથે પ્રેમ સંબંધમાં છે. ઘર બાજુમાં રહેતા કાકા કામ અર્થે આવ્યા હતા અને તેઓ મોટી દીકરીને સ્પર્શી જતા આ અંગે તેને તેના પ્રેમી સદામને જાણ કરી હતી. સદ્દામે પ્રેમિકાના ઘરે શુક્રવારે સાંજે દોડી જઇ તેને તમાચા લગાવી દીધા હતા.
જે બાદ કાકાના ઘરે જઈ મારામારી કરવા લાગ્યો હતો. માતા અને અન્ય બે દીકરીઓ છોડાવવા મોકલતા સદ્દામે બન્ને બહેનોને પણ લાફા ઝીંકયા હતા.જ્યારે બંન્નેવ બહેનો ઘરે આવી રહી હતી ત્યારે સદ્દામે તેનો પીછો કરી બીજા નંબરની દીકરીનું ગળું દબાવી દીધુ હતું. તું અમારા વચ્ચે પડતી હોય અને પ્રેમ સંબંધનો વિરોધ કરતી હોય તેમ કહી જાનથી મારી નાખવાની કોશિશ કરતા અન્યોએ વચ્ચે પડી તેને છોડાવી હતી. ગંભીર હાલતમાં યુવતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. માતાએ પુત્રીનું ગળું દબાવી હત્યાના કરેલા પ્રયાસ બદલ સદામ સામે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.