આમોદ તાલુકાના કાંકરિયા ગામે ધર્માંતરણના ષડયંત્રમાં ઝડપાયેલા ૪ આરોપીની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. અગાઉ આરોપીઓએ આમોદ કોર્ટમાં પણ જામીન માટે કરેલી અરજી કોર્ટે માન્ય રાખી ન હતી. વધુમાં પોલીસે મુકેલી IPC ની ૪ કલમો અને એટ્રોસિટી એકટની કલમો ઉમેરવાની અરજી કોર્ટે માન્ય રાખી છે. આમોદ ધર્માંતરણના ચકચારી કેસમાં ધરપકડ કરાયેલા અબ્દુલ પટેલ, યુસુફ પટેલ, ઐયુબ પટેલ અને ઇબ્રાહિમ પટેલે તેઓના વકીલ આઇ. એ. વોરા મારફતે જામીન પર મુક્ત થવા અરજી કરી હતી.
સામે પક્ષે આ કેસમાં ખાસ નિયુક્ત કરાયેલા સરકારી વકીલ પરેશ પંડ્યા સરકાર તરફે હાજર રહ્યા હતા. ભરૂચના પ્રિન્સિપાલ જજ સંજય રાજેની કોર્ટમાં બન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ તપાસની નાજુક સ્થિતિમાં કોર્ટે ચારેય આરોપીના જામીન ફગાવ્યા હતા. વધુમાં લંડનના ફેફડાવાલાને બાદ કરતાં ફરાર ૪ આરોપીનાના લોકેશન અજમેર તરફના મળ્યા છે. આ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાનું રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર અને વિદેશી ફન્ડિંગને લઈ ED ને પણ જાણ કરવામાં આવી છે.ચારેય આરોપીના બેંક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા છે. તેમના એકાઉન્ટમાં થયેલી નાણાકીય લેવડદેવડ અને તેના સ્ત્રોતની તપાસ ચલવાઈ રહી છે. સાથે જ ચારેયના મોબાઈલ કબ્જે લઈ તેને FSL માં મોકલાયા છે.