ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે આવતીકાલે સમગ્ર પંથકમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી થનાર છે, પરંતુ આ ઉત્સવ પૂર્વે જ આમોદ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આમોદ નગરપાલિકાની કચેરીની બિલકુલ નજીક જ જાહેર માર્ગ પર પડેલા મોટા ખાડાઓ અને ખુલ્લી ગટરોના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકો પર અકસ્માતનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.
શહેરના મુખ્ય માર્ગ પર આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે તેમજ ગુજરાત મેડિકલ નજીક ગટરમાં મોટાં ગાબડાં પડી ગયા છે. નગરપાલિકા કચેરીના નાક નીચે જ આવી જોખમી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક લોકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે.
મહત્વનું છે કે, આવતીકાલે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી હોવાથી આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત ગીતો અને ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમગ્ર આમોદ પંથકમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આગેવાનો પ્રતિમા સ્થળે ઉમટી પડવાના છે. લોકોની ભારે અવરજવર વચ્ચે જો આ ખુલ્લી ગટરો અને ખાડાઓને કારણે કોઈ અનિચ્છનીય ઘટના કે મોટો અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે, તેવો વેધક સવાલ ઉઠી રહ્યો છે.
આ ગંભીર બેદરકારી મામલે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, નગરપાલિકા સદસ્ય દિનેશભાઈ પ્રજાપતિ સહિત અનેક જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાનો અને રહીશોની માંગ છે કે, આવતીકાલના કાર્યક્રમ પહેલાં જ નગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે જોખમી ખાડાઓનું સમારકામ કરવામાં આવે, ખુલ્લી ગટરોને ઢાંકવામાં આવે અને સુરક્ષાના ભાગરૂપે યોગ્ય બેરિકેડિંગ મૂકવામાં આવે.
હવે જોવાનું એ રહેશે કે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી શરૂ થાય તે પહેલાં પાલિકા તંત્ર જાગે છે અને તાત્કાલિક સમારકામ હાથ ધરે છે, કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવે છે!






