ભરૂચ જિલ્લાના આમોદ કોર્ટ નજીક તાજેતરમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યા બાદ આખરે માર્ગ અને મકાન વિભાગનું તંત્ર સફાળું જાગ્યું છે. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોર્ટ નજીક આવેલા બમ્પર પર વ્હાઇટ કલર (સફેદ પટ્ટા) લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી વાહનચાલકોને બમ્પર દૂરથી સ્પષ્ટ દેખાઈ શકે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વિલાયત ગામનાં રહેવાસી સુભાનબીબી પોતાના પતિ સાથે બાઈક પર સવાર થઈને આમોદ કોર્ટ નજીકના માર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન બાઈક બમ્પર પરથી પસાર થતાં સુભાનબીબી અચાનક સંતુલન ગુમાવીને નીચે પટકાયાં હતાં. અકસ્માતમાં તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાથી સમગ્ર પંથક અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મહિલાના મોત બાદ હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ સલામતીના ભાગરૂપે કોર્ટ નજીકના બમ્પર પર સફેદ રંગ લગાવવાની સુધારાત્મક કામગીરી શરૂ કરવામાં આવી છે. બમ્પર પર સફેદ પટ્ટા હોવાથી રાત્રિના સમયે કે ઝડપથી આવતા વાહનચાલકોને અગાઉથી ચેતવણી મળી રહે છે.
જોકે, એક નિર્દોષ મહિલાનો જીવ ગયા બાદ જ તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવતાં સ્થાનિકોમાં તંત્રની કાર્યશૈલી સામે રોષ અને સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો તંત્ર દ્વારા અગાઉથી જ બમ્પર પર યોગ્ય રીતે સફેદ પટ્ટા, રેડિયમ અને ચેતવણી સૂચક બોર્ડ લગાવવામાં આવ્યાં હોત, તો કદાચ આ ગમખ્વાર અકસ્માત ટાળી શકાયો હોત.

હાલમાં શરૂ કરાયેલી આ કામગીરી માત્ર આ એક બમ્પર કે રંગરોગાન પૂરતી મર્યાદિત ન રહે તેવી લાગણી પ્રબળ બની છે. આમોદ શહેરના અન્ય મુખ્ય માર્ગો પર આવેલા બમ્પરો, અકસ્માત સંભવિત વિસ્તારો અને જોખમી વળાંકો પર પણ તાત્કાલિક ધોરણે જરૂરી સલામતીનાં પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઊઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here