ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તાજેતરમાં જ કંથારિયા રોડ પર દબાણો દૂર કરવાની સરાહનીય કામગીરીને નાગરિકોએ આવકારી છે. પરંતુ બીજી તરફ, શહેરના મુખ્ય અને વી.આઈ.પી. ગણાતા જીલ્લા પંચાયત પ્રમુખ અને ડી.ડી.ઓ. બંગલાની બિલકુલ સામેના માર્ગ પર આવેલ એક કાર સ્ટુડિયોના ગેરકાયદે બાંધકામ સામે છેલ્લા ઘણા મહિનાઓથી લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર, જે કાર સ્ટુડિયો જે જગ્યા પર ધમધમી રહ્યો છે, તે જમીન મૂળ રહેણાંક હેતુ માટે N.A. (બિનખેતી) થયેલી છે. આમ છતાં ત્યાં નિયમોને નેવે મૂકીને મોટા પાયે કોમર્શિયલ એક્ટિવિટી ચલાવવામાં આવી રહી છે. જમીનનો હેતુફેર થતાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૬૭ હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી, જેના બચાવમાં મૂળ જમીન માલિક કોર્ટના શરણે ગયા છે. ગત તા. ૨૮/૧૦/૨૦૨૬ ના રોજ માર્ગ અને મકાન વિભાગ (PWD) દ્વારા સંયુક્ત નોટિસ આપવામાં આવી હોવા છતાં, કાર સ્ટુડિયોના માલિક ફરી કોર્ટમાં ગયા હોવાનું બહાનું આગળ ધરીને સરકારી અધિકારીઓ કાર્યવાહી ટાળી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
PWDની ‘બિલ્ડીંગ કંટ્રોલ લાઇન’ના નિયમોનો સરેઆમ ભંગ
PWD ના સત્તાવાર નિયમ મુજબ, આ મુખ્ય માર્ગ પર રહેણાંક હેતુ માટે બિલ્ડીંગ કંટ્રોલ લાઇન રોડના મધ્યબિંદુથી ૧૮ મીટર અને કોમર્શિયલ હેતુ માટે ૨૪ મીટર હોવી ફરજિયાત છે. જો આ સ્થળની તટસ્થ તપાસ કરવામાં આવે તો ૧૮ મીટરના નિયમ પ્રમાણે પણ બાંધકામ માટે પૂરતી જગ્યા બચતી નથી, અને જો કોમર્શિયલના ૨૪ મીટરના નિયમનો અમલ થાય તો લગભગ આખી જગ્યા જ બાંધકામ નિયંત્રણ રેખાની અંદર જતી રહે છે.
કાયદાકીય જોગવાઈઓ શું કહે છે?
• BPMC Act, 1949 અને GDCR ના નિયમો: કોઈપણ રહેણાંક હેતુ માટે NA થયેલ જગ્યામાં કોમર્શિયલ બાંધકામ કે તેનો વ્યાપારી ઉપયોગ કરતા પહેલા સક્ષમ અધિકારીની ‘હેતુફેર મંજૂરી’ અને ‘બાંધકામ મંજૂરી’ લેવી કાયદાકીય રીતે ફરજિયાત છે. વગર મંજૂરીએ થયેલું આવું બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદે ગણાય.
• ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ કલમ ૬૭: એક હેતુ માટે બિનખેતી થયેલી જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ કરતા પહેલા કલેકટરશ્રીની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય છે. હેતુફેર વગરનો કોમર્શિયલ ઉપયોગ એ સીધો શરતભંગ છે.
• માર્ગ અને મકાન વિભાગના ધારાધોરણ: રાજ્ય ધોરી માર્ગ કે મુખ્ય જિલ્લા માર્ગ પર બિલ્ડીંગ કંટ્રોલ લાઇનની અંદર કોઈપણ પાકું બાંધકામ કરી શકાતું નથી. આ નિયમનો ભંગ જ જાહેર માર્ગો પર અડચણ અને ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે.
અધિકારીઓનું વલણ બેધારું કેમ? જનતાનો સવાલ
ભરૂચના જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, એક તરફ ગરીબ અને મધ્યમવર્ગના નાના લારી-ગલ્લા અને પથારાવાળાઓ પર તંત્ર તાત્કાલિક બુલડોઝર ફેરવી દે છે, જ્યારે બીજી તરફ વગ ધરાવતા લોકોના મુખ્ય માર્ગ પરના પાકા કોમર્શિયલ ગેરકાયદે બાંધકામો સામે વર્ષોથી “કોર્ટ મેટર” નું રટણ કરી કાર્યવાહી કેમ ખોરંભે ચડાવવામાં આવે છે?
જો અરજદાર કોર્ટમાં ગયા હોય, તો સરકારી વકીલ મારફતે કોર્ટ સમક્ષ હકીકતલક્ષી સ્પષ્ટતા કેમ કરવામાં આવતી નથી? શા માટે કોર્ટને એ જણાવવામાં નથી આવતું કે આ બાંધકામ કંટ્રોલ લાઇનમાં છે, તેનો હેતુફેર થયો નથી અને તેની પાસે કોઈ મંજૂરી નથી? કોર્ટ સ્ટે આપતા પહેલા અધિકારીઓ પાસે જવાબ માંગે જ છે, તો પછી અધિકારીઓ પૂરતી અને કડક સ્પષ્ટતા કેમ રજૂ કરતા નથી?
સંકલન કરી કડક પગલાં ભરવા માંગ
આ ગંભીર અને ટ્રાફિકને નડતરરૂપ મુદ્દે ચીફ ઓફિસર (ભરૂચ નગરપાલિકા), મામલતદાર, પ્રાંત અધિકારી, ભરૂચ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (BUDA) ના મુખ્ય કારોબારી અધિકારી અને કલેકટરશ્રી ભરૂચ (જેઓ BUDA ના ચેરમેન પણ છે) એ તાકીદે સંકલન સાધીને ન્યાયિક અને કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.
નાગરિકોની મુખ્ય માંગણીઓ:
૧. સદર કાર સ્ટુડિયોના બાંધકામની કોઈ તટસ્થ એજન્સી પાસે માપણી કરાવી, ૧૮ કે ૨૪ મીટર કંટ્રોલ લાઇનનો ભંગ થયો છે કે કેમ તેનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવે.
૨. કલમ ૬૭ હેઠળ હેતુફેર વગરના કોમર્શિયલ ઉપયોગ બદલ આ જગ્યાને તાત્કાલિક સીલ મારી દબાણ દૂર કરવામાં આવે.
૩. ભરૂચ શહેરના તમામ મુખ્ય માર્ગો પર કોઈ પક્ષપાત વગર, કંથારિયા રોડની જેમ જ એકસમાન ધોરણે મેગા દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવે.





