ઓસરા ગામ પાસે આવેલા હલદરવા ગામનો ૩૫ વર્ષીય યુવક ગુલશન વસાવા ગત બુધવારના રોજ પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક નીકળી ગયો હતો. યુવક ઘરે પરત ન ફરતા ચિંતાતુર બનેલા પરિવારજનો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી તેની સઘન શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે, તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

દરમિયાન, આજે શુકલતીર્થ પાસે આવેલા કડોદ ગામના નદી કિનારેથી એક અજાણ્યો અને અત્યંત ડીકમ્પોઝ (કોહવાયેલી) હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નદી કિનારે લાશ હોવાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક શુકલતીર્થ પોલીસ ચોકી પર આ અંગે જાણ કરી હતી.

ઘટનાની માહિતી મળતા જ શુકલતીર્થ પોલીસ ચોકીના જમાદારે ગુમ થયેલા ગુલશન વસાવાના પરિવારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને પણ આ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. માહિતી મળતાની સાથે જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ધર્મેશ સોલંકી અને તેમની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક ઓળખ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.)ની પ્રક્રિયા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એકના એક આશાસ્પદ યુવકનો આ રીતે મૃતદેહ મળી આવતા વસાવા પરિવાર સહિત સમગ્ર હલદરવા ગામમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here