નર્મદા જિલ્લામાં આગામી ‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરવાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સમગ્ર જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી ઉજવણીના સુચારૂ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત આગામી તા. ૧૧ થી તા. ૧૭/૧૧/૨૦૨૬ સુધી જિલ્લામાં વિવિધ કક્ષાએ જનજાતિય ગૌરવ અને સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાનાર છે. આ ઉજવણીના ભાગરૂપે તા. ૧૫/૧૧/૨૦૨૬ ના રોજ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.

નર્મદા જિલ્લામાં દેડિયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ અને રાજપીપળા ખાતે આ ઉજવણીના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લામાં શિક્ષણ, રમતગમત અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી યુવાનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે.
બેઠક દરમિયાન કાર્યક્રમના સ્થળોએ પ્રાથમિક સુવિધાઓ, બેઠક વ્યવસ્થા, સ્ટેજ સહિતની તમામ આનુષંગિક તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉંધાડ, પ્રાયોજના અધિકારી અમોલ આવટે, પ્રાંત અધિકારી પરશનજીત કૌર અને જુહી પાંડે સહિત જિલ્લાના સંબંધિત વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





