ગુજરાત પોલીસ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામેના અભિયાનમાં એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા અને લાંબા સમયથી વોન્ટેડ ચાલતો આરોપી સલીમ ઇસ્માઇલ ડોલાને ગુજરાત ATS દ્વારા કાયદેસરની પ્રક્રિયા અનુસરીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તા. 31/10/2026ના રોજ તેનો કબ્જો મેળવ્યા બાદ હવે આવતીકાલથી સિંધરોટ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.

ગુજરાત ATS દ્વારા ગત તા. 01/12/2022ના રોજ વડોદરા જિલ્લાના સિંધરોટ ગામ ખાતે આવેલી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ/ફેક્ટરી પર રેઇડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. સ્થળ પરથી રૂ. 438.64 કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું 87.728 કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. આ ગુનામાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરી ATS પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે પકડાયેલા આરોપી સૌમિલ પાઠકના માધ્યમથી સલીમ ડોલા આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલો હતો અને સિંધરોટમાં બનેલું MD ડ્રગ્સ મુંબઈ સ્થિત સલીમ ડોલાના સાગીર્દ અઈમાન મુસા શેખ પાસે પહોંચાડવામાં આવ્યું હતું.
આરોપી સલીમ ડોલા વિદેશમાં રહીને ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતો હતો. તેની સામે ગુજરાત ATS દ્વારા ઇન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ જારી કરાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે સલીમ ડોલા ભૂતકાળમાં કુખ્યાત ઇકબાલ મિર્ચીના સંપર્કમાં રહીને 1990ના દાયકામાં મેન્ડ્રેક્સ ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. ત્યારબાદ તેણે દુબઈ (UAE) અને કેન્યાના મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને કાયદેસર નિકાસ થતી ચીજવસ્તુઓના કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવી વિદેશ મોકલવાનું અને ડમી કંપનીઓ ઊભી કરવાનું મોટું સામ્રાજ્ય વિકસાવ્યું હતું.





