ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બ્રિજના અંકલેશ્વર છેડે બાઈકચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સીધી ડિવાઈડર પર મૂકવામાં આવેલા કુંડા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકસવારને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
પ્રાથમિક માહિતીમાં આ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની પાસે મળેલ કંપનીના આઇકાર્ડના આધારે તેની ઓળખ 37 વર્ષીય નવીનચંદ્ર પરમાર તરીકે થઈ છે. તેઓ મૂળ વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ આકસ્મિક મોતની આ ઘટનાને પગલે બ્રિજ પર પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી.અકસ્માતને પગલે બ્રિજ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.





