જંબુસર નગર અને સમગ્ર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ તસ્કરો હવે બેખોફ બનીને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જંબુસરના અણખી ગામે તસ્કરોએ તરખાટ મચાવતા એક જ રાતમાં ત્રણ બંધ મકાનોને નિશાન બનાવ્યા છે, જેમાં વિદેશમાં રહેતા પરિવારના બે મકાનો અને વડોદરા સ્થાયી થયેલા એક પરિવારના બંધ મકાનના તાળા તૂટ્યા છે. સતત વધી રહેલી ચોરીઓ અને પોલીસની નિષ્ક્રિયતાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, જંબુસર તાલુકાના અણખી ગામે લાંબા સમયથી બંધ રહેતા મકાનોને ચોરોએ ટાર્ગેટ કર્યા છે. ગામમાં રહેતા અને હાલ વિદેશ (NRI) સ્થાયી થયેલા એક જ પરિવારના બે બંધ મકાનોના તાળા તસ્કરોએ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત, વડોદરા ખાતે રહેતા અન્ય એક પરિવારના બંધ મકાનને પણ ચોરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનોની રેકી કરીને આખી ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા છે. ઘરના માલિકો બહાર હોવાથી ચોરીમાં ગયેલી ચોક્કસ રકમ કે દાગીનાની વિગતવાર માહિતી મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
મહિના પહેલા કોંગ્રેસ અગ્રણીના ઘરે થઈ હતી ચોરી
અણખી ગામે ચોરીની આ કોઈ પ્રથમ ઘટના નથી. બરાબર એક મહિના પહેલા જ આ જ ગામમાં રહેતા કોંગ્રેસના સ્થાનિક આગેવાન કરણ સિંહ સિંધાના ઘરને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તે સમયે ચોરો ઘરમાંથી આશરે ₹૧ લાખની કિંમતના ચાંદીના ઘરેણાંની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
પોલીસ તંત્રની નિષ્ફળતા સામે લોકોમાં આક્રોશ
જંબુસર નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. એક મહિના પહેલા થયેલી ચોરીનો ભેદ હજુ સુધી પોલીસ ઉકેલી શકી નથી, ત્યાં જ ફરી એકવાર અણખી ગામમાં ત્રણ-ત્રણ મકાનોના તાળા તૂટતાં પોલીસ પેટ્રોલિંગના દાવાઓ પોકળ સાબિત થયા છે. ચોરોને પકડવામાં જંબુસર પોલીસને કોઈ મોટી સફળતા ન મળતા લોકો હવે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે અને સમગ્ર પંથકમાં ખાખીના કથળેલા આયોજન સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે.





