વાગરા તાલુકાના ભેરસમ વસાહત નજીક કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર પલટી જતાં ચકચાર મચી ગઈ હતી. નાળા સાથે ટેન્કર અથડાતાં અકસ્માત એટલો ગંભીર બન્યો કે ટેન્કરની કેબિનનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જ્યારે આગળનાં ટાયર પણ છૂટા પડી ગયા હતા.
પ્રાથમિક અહેવાલો મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પ્રાથમિક માહિતી અનુસાર, ભેરસમ વસાહત નજીકથી પસાર થઈ રહેલું કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર નાળા સાથે અથડાયા બાદ પલટી મારી ગયું હતું. અકસ્માતની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટેન્કરની કેબિનને ભારે નુકસાન થયું હતું અને આગળનાં ટાયર પણ છૂટા પડી ગયા હતા. એટલું જ નહીં, નજીકમાં ઊભેલા ટ્રેક્ટરને પણ ટેન્કરની ટક્કર વાગતાં નુકસાન થયું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
રસ્તાની વચ્ચે જ ટેન્કર પલટી જતાં વાહનચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કરમાં કેમિકલ વેસ્ટ ભરેલો હતો અને તે સાયખા GIDC તરફ જઈ રહ્યું હતું. જોકે, ટેન્કરમાં કયા પ્રકારનો કેમિકલ વેસ્ટ હતો, અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને ટેન્કર જરૂરી સલામતીના નિયમોનું પાલન કરીને જઈ રહ્યું હતું કે નહીં, તે અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.





