ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસે રજવાડી ચ્હાની દુકાનના સંચાલકને ભરૂચ એસઓજીની ટીમે 48 હજારની કિંમતના 96 ગ્રામ અફીણ સાથે ઝડપી પાડ્યો હતો.મૂળ રાજસ્થાનનો વતની એવા સંચાલકે તે પોતે અફીણનો બંધાણી હોવાની કૈફિયત રજૂ કરી હતી.

ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલાં મોહમદી કોમ્પ્લેક્ષમાં ચાલતી રજવાડી ચ્હાની ફ્રેન્ચાઈઝીના સંચાલક નરેશ તાજેત પાટીદાર મૂળ રહે. રાજસ્થાનનો અફીણ રાખતો હોવાની બાતમી ભરૂચ એસઓજીની ટીમને મળતાં ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો. રજવાડી ચ્હાની દુકાનની ઉપરના ભાગે આવેલાં રૂમમાં જ રહેતાં નરેશને ટીમે પકડી તપાસ કરતાં તેની પાસેથી કુલ 48 હજારની મત્તાનું 96 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. ટીમે તેની ધરપકડ કરી પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, તે લાંબા સમયથી અફીણનો બંધાણી છે તેમજ તેણે તેના પોતાના માટે અફીણ લાવ્યો હતો.
જોકે, તે ક્યાંથી લાવ્યો તેમજ કોની પાસેથી લાવ્યો તે અંગેની તપાસ હજી ચાલી રહી છે. બીજી તરફ અફીણવાળી ચાની અફવા આખો દિવસભર ભરૂચમાં ભમરડાની જેમ ભમી હતી. અંતે SOG ની સ્પષ્ટતાથી તમામ હકીકત સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે,અફીણવાળી ચા ને પોપી ટી કહે છે.





