દહેજથી વાગરા તરફ જતા મુખ્ય માર્ગ પર નર્મદા પરિક્રમાવાસીઓને લઈ જતી એક ખાનગી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. બસના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ઉતરી ગઈ હતી.
અકસ્માત સર્જાતા જ બસમાં સવાર પરિક્રમાવાસીઓમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ ફેલાયો હતો. આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ પરિક્રમાવાસીઓનો આબાદ બચાવ થયો છે, જેના કારણે તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડી પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. ખાડામાં ફસાયેલી બસને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ ક્રેન વડે બસને ખાડામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવને પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી, જેને પોલીસે પૂર્વવત કરાવી હતી.






