આમોદ તાલુકાના કુરચણ ગામે ગંદકીનું સામ્રાજ્ય ફેલાતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં ઠેરઠેર ગંદકી, ખુલ્લી ગટરો અને મચ્છરોના અસહ્ય ઉપદ્રવને કારણે નાના બાળકો સહિત ગ્રામજનોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. ગામની ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ પર જ એક ખાડામાં એકત્રિત થતું હોવાથી આસપાસ દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે.
ગામની આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. શું અધિકારીઓ કોઈ મોટી બીમારી ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યા છે? શું ગ્રામજનોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણમાં જીવવાનો અધિકાર નથી?
જવાબદાર અધિકારીઓની ઉદાસીનતાને કારણે ગ્રામજનોની હાલત કફોડી બની છે. હવે સહનશક્તિનો અંત આવતાં ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં ગંદકી, ખુલ્લી ગટર અને ગટરનાં પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આત્મવિલોપન જેવું આત્યંતિક પગલું ભરવાની ફરજ પડશે.
હવે સવાલ એ છે કે તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોશે કે પછી સમયસર જાગીને કુરચણ ગામના નાગરિકોને ગંદકી અને મચ્છરોના ત્રાસમાંથી મુક્તિ અપાવશે? જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરી કાયમી ઉકેલ લાવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે.






