વડોદરામાંથી ગુજરાત એટીએસ દ્વારા એકે-૪૭ રાઇફલ અને ૨૩ જીવતા કારતૂસ સાથે જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આતંકીની ધરપકડ થતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભરૂચ-અંકલેશ્વરનો ભૂતકાળ ૨૦૦૮ના બ્લાસ્ટ, ૨૦૧૫ના ડબલ મર્ડર અને ૨૦૧૭ના ISIS કનેક્શન સાથે જોડાયેલો હોવાથી જિલ્લા વહીવટી તંત્રએ આંતરિક અને દરિયાઈ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.


ભરૂચ જિલ્લાનો ૧૨૪ કિલોમીટર લાંબો દરિયાકાંઠો, દહેજ પોર્ટ, એલએનજી ટર્મિનલ, એસપીએમ અને મહત્ત્વના પેટ્રોકેમિકલ એકમો વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ છે. આ વિસ્તારોની સુરક્ષા માટે મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલન સાધી અભેદ્ય સુરક્ષા કવચ ઊભું કરવામાં આવી રહ્યું છે.

સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા, પ્રાંત અધિકારી મનીષાબેન માનાણી, ડીવાયએસપી ડો. કુશલ ઓઝા, એસઓજી અને મરીન પોલીસના અધિકારીઓની વિશેષ બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત, દરિયાકાંઠાના ગામોમાં ‘ફિશરમેન વોચ ગ્રુપ’ની ચાર બેઠકો યોજી માછીમારોને તંત્રના ‘આંખ અને કાન’ બનવા અપીલ કરાઈ છે. દરિયામાં કોઈ પણ અજાણી બોટ કે શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક મરીન પોલીસને જાણ કરવા સૂચના અપાઈ છે અને દરિયાઈ પેટ્રોલિંગ પણ તેજ કરી દેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here