ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી સારસા ગામ તરફ જતા મુખ્ય ધોરીમાર્ગ પર આવેલો માધુમતી ખાડીનો જૂનો પુલ બિસ્માર બનતા તોડી પાડવામાં આવ્યો છે. જોકે, નવો પુલ તૈયાર ન થાય ત્યાં સુધી વાહનવ્યવહાર માત્ર એક જ ટ્રેક પર ચાલી રહ્યો હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું ગંભીર જોખમ ઊભું થયું છે.
આ માર્ગ પર દરરોજ નાના-મોટા વાહનોની ભારે અવરજવર રહે છે. એક જ ટ્રેક પર સામસામે વાહનો પસાર થતા હોવાથી ખાસ કરીને સારસા ગામની ચોકડી પાસે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ભૂતકાળમાં પણ આ માર્ગ પર થયેલા જીવલેણ અકસ્માતોમાં માનવીઓ અને પશુઓએ જીવ ગુમાવ્યા છે.
સારસા ગામ મુખ્ય ધોરીમાર્ગની બંને તરફ વસેલું હોવાથી નવી વસાહતના બાળકોને શાળાએ જવા તથા ખાડીવગા વિસ્તારના ખેડૂતોને પશુઓ સાથે ખેતરે જવા દરરોજ આ જોખમી માર્ગ ઓળંગવો પડે છે. પૂરઝડપે દોડતા વાહનોને કારણે વાલીઓ અને પશુપાલકોમાં ભારે ચિંતા વ્યાપી છે.
સ્થાનિકોની પ્રબળ માંગ છે કે માર્ગ અને મકાન વિભાગ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જાગે, નવા પુલની ઊંચાઈ અન્ય પુલ જેટલી રાખી કામગીરી ઝડપથી પૂર્ણ કરે તેમજ સારસા ચોકડી પર પણ નવો પુલ બનાવે.






