વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, નવીન સંશોધન પ્રત્યે રુચિ વધે અને બાળપણથી જ સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ડેડીયાપાડાની સંસ્કાર વિદ્યાલય અને શ્રી પાર્થ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુલ 42 વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક વિચારશક્તિ અને વિષયની સમજના આધારે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓની કૃતિઓનું નિરીક્ષણ કરી તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા, નવીન વિચારો વિકસાવવા અને વિજ્ઞાનને માત્ર પુસ્તક પૂરતું મર્યાદિત ન રાખીને તેને વ્યવહારિક જીવન સાથે જોડવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં BRC નરેશભાઈ, ટ્રસ્ટી ધર્મેશભાઈ શાહ, ટ્રસ્ટી હિતેશભાઈ દરજી, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જનભાઈ વસાવા, સંસ્કાર વિદ્યાલયનાં આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન, શ્રી પાર્થ વિદ્યાલયના આચાર્ય વિરલભાઈ પટેલ, શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપતાં મહેમાનોએ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને યોગ્ય દિશા અને પ્રોત્સાહન મળે તો તેઓ ભવિષ્યમાં નવીન શોધો અને સંશોધન ક્ષેત્રે આગળ વધી શકે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માત્ર કૃતિઓ રજૂ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, તર્કશક્તિ, પ્રયોગશીલતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. આવા શૈક્ષણિક આયોજનો દ્વારા બાળકોને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળે છે અને શિક્ષણને વધુ રસપ્રદ તથા પ્રયોગલક્ષી બનાવવામાં મદદ મળે છે.
ડેડીયાપાડામાં યોજાયેલા આ પ્રદર્શને વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવા માટે મંચ પૂરો પાડ્યો હતો. શાળાઓ દ્વારા કરવામાં આવેલા આ સંયુક્ત પ્રયાસને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન આપતી પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.





