નર્મદા-ભરૂચના રાજકારણમાં ફરી એકવાર નિવેદનબાજીએ ગરમાવો લાવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ‘મેલું ઉપાડવા’ અંગેના નિવેદનને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહારો કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે, “રાજકારણમાંથી ફેંકાઈ ગયા હોવાથી બાપુ આવા નિવેદનો કરે છે.”
જંગલ જમીનના મુદ્દે મનસુખ વસાવાએ ટકરાવને બદલે ચર્ચા અને સંવાદથી ઉકેલ લાવવાની હિમાયત કરી છે. સાથે જ ભીલપ્રદેશની માંગને લઈને તેમણે શંકરસિંહ વાઘેલાને સીધો સવાલ કર્યો કે, “જ્યારે તમે સરકારમાં હતા ત્યારે ભીલપ્રદેશની માંગ કેમ પૂર્ણ ન કરી?”
તીર-કામઠાના નિવેદન પર પણ મનસુખનો પ્રહાર
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના તીર-કામઠા સાથે ગાંધીનગર જવાના નિવેદન પર પણ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આંદોલન લોકશાહી ઢબે લડવું જોઈએ. અધિકારીઓ સાથે મારામારી કરવાની વાત ધારાસભ્યને શોભતી નથી, તેમ કહી મનસુખે આંદોલનની પદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા છે.
નવા પ્રોજેક્ટ સામે મનસુખની વળતરની શરત
નર્મદા જિલ્લામાં નવા પ્રોજેક્ટોના મુદ્દે પણ મનસુખ વસાવાએ સરકાર સમક્ષ સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. અસરગ્રસ્તોને યોગ્ય અને વધુ વળતર આપવાની માંગ સાથે તેમણે ચેતવણીના સ્વરે જણાવ્યું કે, યોગ્ય વળતર નહીં મળે તો નવા પ્રોજેક્ટ સ્વીકારાશે નહીં.
વઘરાલી ક્વોરી મુદ્દે ભાજપના નેતાઓ સામે જ આક્રમક વલણ
વઘરાલી ક્વોરીના મુદ્દે મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના નેતાઓ સામે પણ જાહેરમાં અવાજ ઉઠાવવાની વાત કરી છે. ક્વોરીથી અસરગ્રસ્ત 62 લોકોને ન્યાય મળવો જોઈએ તેવી માંગ તેમણે કરી છે.
મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ભાજપનો નેતા ખોટું કરે તો પણ હું જાહેરમાં અવાજ ઉઠાવીશ.” આ નિવેદનથી ભાજપના આંતરિક રાજકારણમાં પણ ચર્ચા તેજ બની છે.
ભીલપ્રદેશ મુદ્દે આદિવાસી નેતાઓને એક મંચ પર આવવાની અપીલ
ભીલપ્રદેશની માંગને લઈને મનસુખ વસાવાએ આદિવાસી સમાજના નેતાઓને રાજકીય મતભેદો ભૂલીને એક મંચ પર આવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કેવડિયા કે માનગઢના મુદ્દા પર અલગ-અલગ ચર્ચા કરતાં પહેલાં ભીલપ્રદેશના મુદ્દે આદિવાસી નેતાઓએ એકમત થવાની જરૂર છે.


એક તરફ શંકરસિંહ વાઘેલા, અનંત પટેલ સહિતના નેતાઓના નિવેદનો અને બીજી તરફ મનસુખ વસાવાના આકરા પ્રહારોને કારણે નર્મદા-ભરૂચનું રાજકારણ ફરી ગરમાયું છે. હવે ભીલપ્રદેશ, જંગલ જમીન અને વિકાસના પ્રોજેક્ટોના મુદ્દે આગામી દિવસોમાં રાજકીય ટકરાવ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.





