ડેડીયાપાડા તાલુકાના મેડિયાસાગ ગામ નજીક આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા ત્રણ કિશોરોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટીકાલબી ગામના ચાર કિશોરો એક જ યુનિકોર્ન બાઈક પર સવાર થઈ રાલ્દા ગામની સીમમાં આવેલા ચેકડેમ પાસે નાહવા માટે ગયા હતા. ત્યારબાદ પરત ઘરે ફરતી વખતે મેડિયાસાગ નજીક પહોંચતા બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.બાઈક રોડની સાઈડમાં આવેલા સાગના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે બે કિશોરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

મૃતકોમાં રોહનભાઈ હર્ષદભાઈ વસાવા (ઉંમર 15 વર્ષ) અને હરનેશભાઈ દૂરસિંગભાઈ વસાવા (ઉંમર 15 વર્ષ) નો સમાવેશ થાય છે.
અકસ્મતમાં અન્ય બે કિશોરોને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ડેડીયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જયરાજભાઈ ખલ્પાભાઈ વસાવા (ઉંમર 15 વર્ષ)નું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે પ્રજ્ઞેશભાઈ સુરેશભાઈ વસાવા (અંદાજિત ઉંમર 14 વર્ષ)ને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
એક જ બાઈક પર ચાર કિશોરો સવાર હોવા અને મેડિયાસાગ નજીક બાઈકનો કાબૂ ગુમાવવાના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. જોકે, અકસ્મતનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.આ ઘટનાથી મોટીકાલબી સહિત આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્રણ કિશોરોના મોતથી પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા અકસ્માત અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.





